પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના બોરુડા ગામે મહિલા સશક્તિકરણનું સુંદર ઉદાહરણ પૂરું પાડી દીધું છે. આ વર્ષે પ્રથમ વખત બોરુડાની અલગ ગ્રામ પંચાયત બની છે. અગાઉ બોરુડા ચારંડા સાથે જૂથ ગ્રામ પંચાયતનો ભાગ હતું, પણ હવે વિભાજન બાદ ગામે પોતાની ઓળખ ધરાવતી પંચાયત રચી છે. 1480 મતદારો ધરાવતા આ ગામે સર્વસંમતિથી તમામ હોદ્દાઓ પર મહિલાઓની વરણી કરવામાં આવી છે.
ગામના સરપંચ તરીકે લાડુબેન હરજીભાઈ ચૌધરી અને ડેપ્યુટી સરપંચ તરીકે ગીતાબેન ભેમાજી ઠાકોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે. સાથે જ, કુલ 9 મહિલાઓ ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ગામના વહીવટમાં ભાગ લેશે. તમામ સમાજના લોકોએ એકજૂથ થઈને સમરસતાથી પંચાયત રચી છે, જે ગ્રામ્ય સ્તરે એકતા અને સહયોગનું દર્શન કરાવે છે.
આ પ્રસંગે સોનેત સ્ટેટના જાગીરદાર ભુપેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, પૂર્વ સરપંચ તથા આસપાસના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચંદેશ્વર મહાદેવ મંદિરના મહંતશ્રીએ નવનિયુક્ત મહિલા પ્રતિનિધિઓને આશીર્વાદ આપ્યા હતા. બોરુડા ગામે આ રીતે મહિલા સશક્તિકરણની દિશામાં નવું અને આશાસ્પદ પગલું ભર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર