
જૂનાગઢ, 7 જૂન (હિ.સ.) મતદાતા લોકશાહીનો પ્રાણ છે, ભારતનું ચૂંટણી પંચ પણ એક પણ નાગરિક મત અધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પ્રતિબદ્ધ છે, ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પણ ચૂંટણી પંચ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ત્યારે પ્રજ્ઞાચક્ષુ મતદારો કેવી રીતે મતદાન કરે છે, તે જાણવું પણ રસપ્રદ છે.
ઉલ્લેખનીય છે કે, વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં કુલ-૩૨૭ જેટલા દ્રષ્ટિહિન મતદારો નોંધાયેલા છે, આ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવે છે. સાથે જ આ દ્રષ્ટિહિન મતદાતા મતદાન મથક પર જઈ પણ મત આપી શકશે. આ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દિવ્યાંગ સહિતના મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશ આપવાની સાથે સમીક્ષા પણ કરી રહ્યા છે.
બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન (વાદળી બટન)ની જમણી બાજુએ બ્રેઈલમાં નંબર દર્શાવવામાં આવે છે, આ સુવિધાનો દ્રષ્ટિહિન મતદાર ઉપયોગ કરી શકે તે માટે બ્રેઈલ લીપીમાં ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે, જેમાં ઉમેદવારનો ક્રમાંક, ઉમેદવારનું નામ અને પક્ષનું નામ બ્રેઈલમાં છાપવામાં આવે છે. જેની મદદથી દ્રષ્ટિહિન મતદાર પોતાના પસંદગીના ઉમેદવારનો ક્રમાંક જાણી બેલેટ યુનિટ પર બ્રેઈલ લીપીમાં દર્શાવેલ ઉમેદવારના ક્રમાંક પરથી પોતાના પસંદગીના ઉમેદવારના ક્રમાંકને આધારે મત આપી શકે છે. આમ, બ્રેઈલના જાણકાર હોય તેવા દ્રષ્ટિહિન મતદાર મતદાનની ગુપ્તતા ભંગ થયા વગર મત આપી શકશે.
આ માટે બ્રેઇલમાં તૈયાર કરેલ ડમી બેલેટ પેપર દરેક મતદાન મથક દીઠ એક પૂરું પાડવામાં આવે છે. આ માટે મતદાન મથકના ૧૧૦ ટકા લેખે બ્રેઈલ લીપીમાં ડમી બેલેટ પેપર તૈયાર કરવામાં આવે છે. દ્રષ્ટિહિન મતદારો માટે બ્રેઇલ લીપીમાં ડમી બેલેટ પેપર -શીટ અંધજન મંડળ અમદાવાદ ખાતે પ્રિન્ટ કરવામાં આવે છે. જેને ચૂંટણી અધિકારીને સોપતા પહેલા બ્રેઇલ લીપીના જાણકાર નોડલ અધિકારીશ્રી પાસેથી પ્રમાણિત પણ કરાવવામાં આવે છે.
આમ, લોકશાહી પર્વ મતાધિકારના ઉપયોગ થકી જ સાર્થક થતું હોય છે, જ્યારે દરેક નાગરિક અચૂક મતદાન કરે અને લોકશાહી વ્યવસ્થામાં ભાગીદારી નોંધાવે અને આ માટે હંમેશા ભારતના ચૂંટણી પંચે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ