


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું 'સોનાની હાટડી' પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં પાટડીના રાજવી દરબારો અને દેસાઈ ભાયાતોની આશરે 750 વર્ષની વંશાવલીનો સમાવેશ કરાયો છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, એકતામાં શક્તિ છે. જ્યારે લોકો એકતાથી કામ કરે છે, ત્યારે મોટાંમાં મોટાં કાર્યો સરળતાથી થઇ શકે છે. વ્યક્તિગત તાકાત કરતાં સામૂહિક તાકાત વધારે પ્રભાવશાળી હોય છે.
તેમણે કહ્યું કે આઝાદીની લડાઈનો પ્રારંભ અસહકારના આંદોલનથી થયો હતો, જ્યારે આજનો સમય સહકારથી સમૃદ્ધિનો છે. જે સમાજના લોકો એકબીજા સાથે સહકારથી, સહાનુભૂતિથી અને પરસ્પર વિશ્વાસથી જોડાયા હોય, તેનો વિકાસ સતત આગળ વધતો જ રહે છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વથી ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. આ માટે વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતાથી માંડી સેમિકંડક્ટર અને ગ્રીન એનર્જી સહિતની બાબતોને પ્રાધાન્ય આપ્યું છે.
પટેલે વડાપ્રધાનએ આપેલા નવ સંકલ્પો વિશે વાત કરતાં કહ્યું કે, તેમણે ભવિષ્યમાં આવનારા પડકારોને નાથવા માટેનાં અભિયાન અત્યારથી જ શરૂ કર્યાં છે. આપણે સ્વચ્છતાને સ્વભાવ બનાવીને દેશના વિકાસની સાથે આપણી વિરાસતને પણ જિવંત રાખવાની છે. તેમણે ગ્લોબલ વોર્મિંગના પડકારને હરાવવા માટે ‘એક પેડ મા કે નામ’ જેવાં અભિયાનો થકી ગ્રીન કવર વધારવા અને ‘કેચ ધ રેઇન’ જેવી ઝૂંબેશ દ્વારા ભાવિ પેઢીમાં જળસંચયની આદત વિકસાવવા કહ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત @2047ના સ્વપ્નને સાકાર કરવામાં, સૌને સાથે મળીને દેશ અને રાજ્યના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી.પટેલે જણાવ્યું કે, આઝાદી સમયે પાટડીમાં કડવા પાટીદાર સમાજનું એક માત્ર દેશી રજવાડું હતું. આજે હળથી લઈ હેલિકોપ્ટરનું નિર્માણ આ સમાજના લોકો દ્વારા થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે મંદિરો એ શક્તિનાં કેન્દ્રો છે, ત્યારે વિશ્વ ઉમિયાધામના નિર્માણમાં દરેક તબક્કે મળેલા સહકાર બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે પાટડી દરબારો અને દેસાઈ ભાયાતોના 750 વર્ષના ઇતિહાસનું આ પુસ્તક તૈયાર કરનારા પાટીદારોનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પાટડી દરબાર કર્ણીસિંહ દેસાઈ, ધારાસભ્ય જીતુભાઈ ભગત, અચલા એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટી ડો. મફતલાલ પટેલ, ઔડાનાં ચેરમેન ડી.પી.દેસાઈ, સન બિલ્ડર્સના એન.કે. પટેલ, ડો. રાજેશ દેસાઈ, ડો. પ્રતાપ દેસાઈ તથા બહોળી સંખ્યામાં પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ