
અંબાજી,09જુન
(હિ. સ) ગુજરાત રાજય ચૂંટણી
આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી -૨૦૨૫નો
કાર્યક્રમ તા.૨૮/૦૫/૨૦૨૫ થી જાહેર થયેલ છે. તે મુજબ બનાસકાંઠા જિલ્લામાં મતદાન
તા.૨૨/૦૬/૨૦૨૫ (રવિવાર)ના રોજ યોજાનાર છે અને મતગણતરી તા.૨૫/૦૬/૨૦૨૫ના રોજ થનાર
છે. ત્યારે જાહેર શાંતિ અને સલામતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર
પટેલ (આઈ.એ.એસ.) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે
જાહેરનામું પ્રસિધ્ધ કરાયું છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી અન્વયે પ્રચાર
ઝુંબેશનો સમયગાળો પૂરો થયા બાદ (મતદાન સમાપ્તિ પહેલાના ૪૮ કલાક થી શરૂ કરીને)
મતદાર વિભાગની બહારથી આવેલ હોય અને સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય
હોદ્દેદારો (Political Functionaries) સંબંધિત
મતદાન વિસ્તારમાં હાજર રહી શકશે નહીં. આ
હુકમ સંબંધિત મતદાર વિભાગમાં ચૂંટણી લડતા ઉમેદવારો અને તેમના ચૂંટણી એજન્ટોને લાગુ
પડશે નહીં. આ જાહેરનામું તા.૨૭/૦૬/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર
વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ સજા તથા દંડને પાત્ર થશે. તેમજ
સદરહું જાહેરનામાના ભંગ બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી ફરજ પરના એકઝીકયુટીવ
મેજીસ્ટ્રેટ તેમજ સંબંધિત પોલીસ અધિકારીએ કરવાની રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ