ગોધરા, ૯જુન (હિ. સ.) પંચમહાલ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસ પખવાડિયાની ઉજવણી નિમિત્તે વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત થીમ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઇ
પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજેન્સી દ્વારા “સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ)” યોજના અંતર્ગત તા.૫ મી જુન -વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ ની ઉજવણી નિમિત્તે જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદુષણનો અંત (Ending Plastic Pollution Globally) થીમ અન્વયે વિવિધ પ્રવૃતિઓ સાથે અનેકવિધ લોકજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના સંયુક્ત પ્રયાસોથી ગ્રામ્ય વિસ્તારોમાં પ્લાસ્ટિક વેસ્ટ(ક્ચરો) એકઠો કરવાનું અભિયાન શરૂ છે. જે અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ધ્વારા તાલુકાકક્ષાએ અને ગ્રામ્યકક્ષાએ સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 'રોકો-ટોકો, જાહેર સ્થળોએ જાહેર કચરો ફેકવાનું બંધ કરો’ જેવા નારા સાથે નદી, તળાવો અને જળાશયો, પીવાના પાણીના સ્ત્રોતો વગેરેમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક કચરાની હાનિકારક અસરો અંગે લોકોને જાગૃત કરવા બેઠકો યોજીને ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ટાળીને તેનો સંપૂર્ણ ઉપયોગ બંધ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી છે. તેમજ લોકોને બહાર જતી વખતે સાથે કપડાની થેલી રાખવા અને પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા, ગ્રામ્યકક્ષાએ પ્લાસ્ટિક વેસ્ટ (કચરો) એકઠો કરવા અંગે આ અભિયાનને સફળ બનાવવા માટે લોકો સ્વયંભૂ અભિયાનમાં જોડાઈ રહ્યા છે. જેમાં પ્લાસ્ટિક સાથે નાતો તોડો, ઘરના થેલાનો સાથ જોડો — થીમ હેઠળ સમજુતી આપવામાં આવી છે અને ગ્રામીણ બજારો (હાટ) ને પ્લાસ્ટિક મુકત કરવા પણ સમજણ આપવામા આવી છે.
ગ્રામ્યકક્ષાએ તા.૨૮ મે ના રોજ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓને માસિક સમય દરમ્યાન સ્વચ્છતા અંગે, કિશોરીઓને પર્સનલ હાઈજીન અને માસિકસ્ત્રાવ સમયે રાખવાની થતી કાળજી વિશે જાણકારી આપી ઉપસ્થિત મહિલાઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ મહિલાઓને માસિક દરમ્યાન રાખવાની થતી સ્વચ્છતા વિષય અંગે ફિલ્મ બતાવી જાગૃત કરવામાં આવ્યા હતા.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરા વ્યવસ્થાપન માટે ઘરેલું સ્થળ પરથી ડોર ટુ ડોર કચરાનું યોગ્ય રીતે એકત્ર કરી કચરાને એકત્રિત કરતી ગાડીના માઘ્યમથી ગ્રામજનોને લીલો કચરો સુકો કચરો ઘરેથી અલગ કરીને કચરાની ગાડીમાં નાખવા, ગ્રામ્યકક્ષાએ આવેલ કચેરીઓમાં રંગોળી પુરી લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા, પ્લાસ્ટિક કચરાના નિકાલ કરવા, જાહેર સ્થળો પર ભીતચિત્રો દવારા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ગામલોકોને જાગૃત કરવા જેવી પ્રવૃત્તિઓ વિશ્વ પર્યાવરણ દિવસની પખવાડિક ઉજવણીના ભાગરૂપે ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ