પાટણ, 1 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં ઊંટો માટે વિશેષ એન્ટીસરા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પ ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ, ગાંધીનગર અને જિલ્લા પંચાયત પાટણના સહયોગથી સાંતલપુર પશુ દવાખાનાના સંચાલન હેઠળ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન અને નાયબ પશુપાલન નિયામક ડૉ. બી.એમ. સરગરાના સુપરવિઝન હેઠળ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો.
વૌવા, જાખોત્રા અને આસપાસના ગામોમાંથી કુલ ૩૦૪ ઊંટોને ચકરી અને ખસ રોગ સામે રસીકરણ અને જરૂરી સારવાર આપવામાં આવી. આ ઊંટો મુખ્યત્વે કચ્છ વિસ્તારમાં ચરાવવા લઈ જવાય છે, તેથી આગોતરી કાળજી રૂપે રસીકરણ કરી રોગોથી સુરક્ષિત રાખવાનો પ્રયાસ થયો.
પશુચિકિત્સા અધિકારી ડૉ. રાજેશ ચૌધરી અને તેમની સાંતલપુરની ટીમ તથા રાધનપુર પશુદવાખાનાના ડૉ. વિજય પરમારની કામગીરી મહત્વપૂર્ણ રહી. ડિયર ફાઉન્ડેશનના સ્થાપક કનૈયાલાલ રાજ્યગુરુએ માલધારી સમુદાયમાં પશુ આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનું કાર્ય કર્યું. આ પહેલથી પશુપાલકોના પશુધનને રોગમુક્ત રાખવામાં મદદ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર