જૂનાગઢ 1 જુલાઈ (હિ.સ.) આગામી તારીખ ૬ જુલાઈના રોજ મોહરમનો પર્વ યોજાનાર છે. મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં તાજીયાના રુટ, તેની પરવાનગી, તાજિયાના રુટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ તાજિયાના ઝુલુસ દરમ્યાન રખડતા ઢોર નડે નહીં એ માટેના પગલાં લેવા, રસ્તા રીપેરીંગ, વીજ પુરવઠો અવિરત શરૂ રહે સહિતની બાબતે તકેદારી રાખવા કલેક્ટરએ સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને તાજિયાનો રૂટ પરથી નીકળનાર છે તે રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યાઓ ઉપસ્થિત ન થાય એ માટે જરૂરી બંદોબસ્ત રાખવા પણ જણાવ્યું હતું.
આ તકે કલેક્ટરએ સમય મર્યાદામાં સરઘસ, લાઉડ સ્પીકર વગેરેની પરવાનગી આપવા,દરેક પ્રાંત કચેરી ખાતે સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરવા, ,તેમજ મોહરમ પર્વ અંતર્ગત જાહેરનામાની કડકાઇથી અમલવારી કરવા સંબંધીત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.
આ બેઠકમાં જૂનાગઢ મ્યુનીસીપલ કમીશનર તેજસ પરમાર, નિવાસી અધિક કલેકટર કે.બી.પટેલ, પ્રાંત અધીકારી , નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ