પાટણ, 1 જુલાઈ (હિ.સ.) હારીજ એસટી ડેપોના કંડકટર વિજય પ્રજાપતિએ, ઇમાનદારીની ઉત્તમ મિસાલ પૂરી પાડી છે. સોમવારે હારીજથી સતાધાર જતી એસટી બસમાં એક વૃદ્ધ મહિલા માલવણ ગામની ચોકડીથી બેઠી હતી અને બજાણા ગામે ઉતરી હતી, ત્યારે પોતાનું પાકીટ બસમાં ભૂલી ગઈ હતી.
પાકીટ કંડકટર વિજયભાઈને મળ્યું, જેમાં રૂ. 4500 રોકડા હતા. તેમણે તરત જ મહિલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ સંપર્ક ન થતાં એસટી કંટ્રોલ રૂમ અને ડેપો મેનેજરને જાણ કરી. પરત ફરતી વખતે તેમણે બજાણા બસ સ્ટેન્ડ પર બસ ઊભી રાખી અને વૃદ્ધ મહિલાને શોધી પાકીટ પરત કર્યું.
આ ઘટનાથી બસમાં ઉપસ્થિત મુસાફરો પણ વિજયભાઈની ઈમાનદારીથી પ્રભાવિત થયા. ફુગ્ગા વેચીને પોતાનું ગુજરાન ચલાવતી વૃદ્ધ મહિલાએ વિજયભાઈનો દિલથી આભાર માન્યો. કંડકટર વિજયભાઈની આ નિષ્ઠા અને પ્રામાણિકતાની દરેક સ્તરે પ્રશંસા થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર