વડોદરા, 1 જુલાઈ (હિ.સ.)- શહેરમાં બોગસ ફાયર NOC કૌભાંડ બહાર આવતાં ફાયર વિભાગએ આજે દરેક ફાયર સ્ટેશનને તેમના વિસ્તારમાં આવેલી મોટા કોમ્પ્લેક્સ અને બાંધકામો માટે આપવામાં આવેલી ફાયર NOCની તાત્કાલિક ચકાસણી શરૂ કરવાની સૂચના આપી છે. ચોમાસાને કારણે અટકેલી ચકાસણી ફરી શરૂ કરવામાં આવી છે.
હાલમાં રાવપુરા પોલીસ બોગસ ફાયર NOC અંગે તપાસ ચલાવી રહી છે. વાઘોડિયા રોડ સ્થિત 'અર્શ કોમ્પ્લેક્સ' અને હરણી સ્થિત 'મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ' માટે બનાવવામાં આવેલી ડુપ્લિકેટ NOC મળી આવતાં સંકેત મળે છે કે આ કૌભાંડ પાછળ કોઈ વિશાળ ગેંગ કાર્યરત છે.
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, NOCના દસ્તાવેજોની તપાસ દ્વારા એ નક્કી કરાશે કે કઈ બિલ્ડિંગોને બોગસ પ્રમાણપત્રો આપવામાં આવ્યા છે. ચીફ ફાયર ઓફિસર દ્વારા તમામ સ્ટેશનોને તાત્કાલિક અને વિસ્તૃત તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
શહેરમાં અગાઉ બોગસ બર્થ સર્ટિફિકેટનું કૌભાંડ સામે આવ્યું હતું, અને હવે ફાયર NOCના جعલી દસ્તાવેજોના પ્રકરણથી ફરી વડોદરા મહાનગર પાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉભા થયા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે