ગાંધીનગર, 1 જુલાઈ (હિ.સ.) : ગાંધીનગર ખાતે આજે તા. ૧ જુલાઈ - GST દિવસ નિમિત્તે નાણા મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે ગુજરાત રાજ્ય કર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ, રાજ્ય કર વિભાગનો વર્ષ ૨૦૨૪-૨૫ માટેનો વાર્ષિક અહેવાલ પણ નાણા મંત્રીશ્રીના હસ્તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ નાણા વિભાગ દ્વારા રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારાઓ લાવવા માટે કરવામાં આવેલા વિશિષ્ટ પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને વિશ્વાસની સ્થાપના, ઇઝ ઓફ કમ્પ્લાયન્સ (પાલનની સરળતા) અને ટેક્નોલોજીના સુયોગ્ય ઉપયોગ દ્વારા વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો.
રાજ્ય કર વિભાગના નવા લોગોની વિશેષતા:
રાજ્ય કર વિભાગનો નવો લોગો વિભાગની વિકસતી ઓળખને સ્પષ્ટપણે રજૂ કરે છે. આ લોગો પારદર્શિતા, ટેક્નોલોજી-આધારિત સુધારાઓ અને ‘નાગરિક પ્રથમ’ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતોને વ્યક્ત કરે છે. આ લોગો ડિજિટલ શાસનના યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ અને કરદાતા-ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટેના વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે.
આ લોગોમાં વપરાયેલા રંગોનો પણ વિશેષ અર્થ છે. લોગોમાં દર્શાવેલ વાદળી રંગ કમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવે છે. જ્યારે, સોનેરી રંગ કરવેરા (Taxation) અને વિકાસનું પ્રતિક છે. આ નવો લોગો નાણા વિભાગની આધુનિક અને જન-કેન્દ્રિત શાસન પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાને પણ રેખાંકિત કરે છે.
રાજ્ય કર વિભાગનો વાર્ષિક અહેવાલ:
રાજ્ય કર વિભાગ દ્વારા પ્રકાશિત કરાયેલો વર્ષ ૨૦૨૪-૨૫નો વાર્ષિક અહેવાલ નાણા વિભાગની કાર્યક્ષમતા, આવક, સુધારાઓ અને વિવિધ મહત્વપૂર્ણ માપદંડો પર કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીનું દસ્તાવેજીકરણ કરે છે. આ અહેવાલ વિભાગની પ્રગતિ સ્પષ્ટ રીતે દર્શાવે છે.
આજે GST દિવસના પ્રસંગે રાજ્ય કર વિભાગે જવાબદારી, નવીનતા અને જનસહભાગિતાની પ્રતિબદ્ધતાને પુનઃ દ્રઢ કરી છે અને વિકસિત ભારતના સામૂહિક પ્રયાસોમાં વિભાગની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવવાનો સંકલ્પ વ્યકત કર્યો છે.
આ લોગો અનાવરણ પ્રસંગે નાણા વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, મુખ્ય રાજ્ય વેરા કમિશનર રાજીવ ટોપનો, નાણાં વિભાગના સચિવ આરતી કંવર ઉપરાંત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ