પાટણ, 1 જુલાઈ (હિ.સ.) : લાયન્સ કલબ પાટણમાં વર્ષ 2025-26 માટે નિકુલભાઈ ચુનાવાલાને નવા પ્રમુખ તરીકે નિમણૂક કરી શપથવિધિ યોજાઈ હતી. નવા પ્રમુખે જણાવ્યુ કે આ વર્ષને ‘જીવદયા વર્ષ’ તરીકે ઉજવાશે અને શહેરમાં 12 પક્ષીઘરો સ્થાપવામાં આવશે. દરેક પક્ષીઘર માટે રૂ. 16,000નો ખર્ચ થશે, જેમાંથી રૂ. 7,500 લાયન્સ કલબ આપશે અને બાકીની રકમ દાતાઓ પાસેથી મેળવવામાં આવશે. કાર્યક્રમમાં લાયન નટવરસિંહ ચાવડાએ નવા પ્રમુખનો પરિચય આપ્યો હતો.
પદગ્રહણ પ્રસંગે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર રસિકભાઈ પટેલે હોદ્દેદારોને ફરજ નિભાવવા માટે માર્ગદર્શન આપ્યું અને સેવાભાવને મહત્ત્વ આપ્યું. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લાયન્સ કલબની પ્રશંસા કરી અને સેવામાં યોગદાનરૂપે સાંસદ ફંડમાંથી રૂ. 5 લાખની ગ્રાન્ટ જાહેર કરી. નિકુલભાઈએ પોતાના કાર્યકાળ દરમિયાન રક્તદાન, ટ્રાફિક જાગૃતિ, યુવાનો માટે વ્યક્તિત્વ નિર્માણ અને અનાથ બાળકો તથા કન્યાઓના શિક્ષણ કાર્યક્રમોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
આ પ્રસંગે અનાથ બાળકો અને જીવદયાની કામગીરી માટે રૂ. 1,28,000 દાન આપનારા જેસંગભાઈ ચૌધરીનું સન્માન કરવામાં આવ્યું. તેમજ મંત્રી રાજુભાઇ દેસાઇ, લીઓ પ્રમુખ રોનક મોદી અને લીઓ મંત્રી શુભમ જોષીએ શપથ લીધી હતી. કાર્યક્રમમાં બ્રિજેશ પટેલ, આશિષ પટેલ, પિન્ટુજી રાજપૂત, ચિરાગ પ્રજાપતિ, પરીન પંચીવાલા સહિત લાયન્સ પરિવારના અનેક સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ દેસાઇ અને આભારવિધી રોનક મોદીએ કરી હતી. વર્ષ દરમિયાન સારી કામગીરી કરનારાને જીવદયા થીમ આધારિત પક્ષીઘરનાં મોમેન્ટો અને એવોર્ડ એનાયત કરાયા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર