સુરતમાં ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ: રૂ. 943 કરોડના ટ્રાન્ઝેક્શન, 8 આરોપી ઝડપાયા
સુરત, 1 જુલાઈ (હિ.સ.)- શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલી રહેલા મોટા પાયાના ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આ ગઠજોડને ઝ
Surat


સુરત, 1 જુલાઈ (હિ.સ.)- શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા “સનરાઈઝ ડેવલપર્સ” નામની કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ચાલી રહેલા મોટા પાયાના ગેરકાયદે ઓનલાઈન ગેમિંગ અને ડબ્બા ટ્રેડિંગ રેકેટનો ભાંડો ફૂટ્યો છે. સુરત શહેરના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ આ ગઠજોડને ઝડપી પાડી 943 કરોડ રૂપિયાનાં આર્થિક વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. આ મામલે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

SOGને મળેલી ગુપ્ત માહિતીના આધારે મોટાવરાછા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ Castilo 9, Stock Grow, NexonExch.com, PavanExch જેવી સોફ્ટવેર અને વેબસાઇટ્સના માધ્યમથી SEBIની મંજૂરી વગર ડબ્બા ટ્રેડિંગ અને ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ જેવી રમતોથી સંબંધિત ઓનલાઈન સટ્ટાની ગેરકાયદે પ્રવૃતિ ચલાવતા હતા.

આ આરોપીઓ ગ્રાહકોને વધુ નફાની લાલચ આપી રોકાણ કરાવતાં અને બ્લેક મનીના વ્યવહારો માટે પણ સુવિધા ઉપલબ્ધ કરાવતાં હતા. અત્યાર સુધીમાં આ પ્લેટફોર્મ પર 250થી વધુ લોકો જોડાયા હોવાની માહિતી મળી છે. પોલીસ તપાસમાં અલગ-અલગ બેન્ક ખાતામાં રૂ. 4.62 કરોડનાં ટ્રાન્ઝેક્શન પણ જોવા મળ્યાં છે.

SOGએ જે 8 આરોપીઓની ધરપકડ કરી છે તેઓનાં નામ નીચે મુજબ છે:

* નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરિયા

* વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરિયા

* ભાવેશ જીણાભાઈ કિહલા

* જયદીપ કાનજીભાઈ પીપળિયા

* નવનીત ચતુરભાઈ ગેવરિયા

* ભાવિન અરવિંદભાઈ હીરપરા

* બકુલ મગનભાઈ તરસરિયા

* સાહીલ મુકેશભાઈ સુવાગિયા

પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 17.30 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 19 મોબાઈલ ફોન, 4 લેપટોપ, 10 લાખ રૂપિયાનું રોકડ, 31 પાસબુક, 87 ચેકબુક અને 13 સિમ કાર્ડનો સમાવેશ થાય છે.

મુખ્ય આરોપી નંદલાલ પર અગાઉ પણ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી સંબંધિત ફરિયાદો નોંધાઇ ચુકી છે. હાલ SOG દ્વારા રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકોના સુત્રોને શોધી કાઢવા માટે વધુ તપાસ ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande