વલસાડ, 1 જુલાઈ (હિ.સ.)- વલસાડ-વાંસદા-ચીખલીના લેઉઆ પટેલ ટ્રસ્ટ દ્વારા દિનકર ભવન ચીખલી ખાતે તેજસ્વી તારલાઓના સન્માનની સાથે સમાજના જ્ઞાતિજનોનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નવસારી લેઉઆ પટેલ સમાજના પ્રમુખ મધુભાઇ કથીરીયાએ જણાવ્યું કે, સમાજ થકી લોકઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓમાં તન, મન અને ધનથી સહાય કરી આપણા સંસ્કારોના મૂલ્યનું જતન કરવાની સાથે શ્રેષ્ઠ સમાજ થકી શ્રેષ્ઠ રાષ્ટ્ર નિર્માણમાં સૌએ યોગદાન આપવું જોઇએ.
સમારંભમાં સુરતના સાયકેટ્રીક ડો. હિમાદ્રી વઘાસીયાએ મોબાઇલના વ્યસનથી બાળકોને દૂર રાખવા અનુરોધ કર્યો હતો. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી માણસોની અનિંદ્રાની તેમજ માનસિક અસંતુલન જેવા ભયંકર રોગમાં સપડાઇ જાય છે. વાહન હંકારતી વખતે મોબાઇલનો ઉપયોગ કરવાથી ગંભીર અકસ્માતોનું જોખમ વધે છે.
આ કાર્યક્રમમાં ચીખલીના પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કોરાટ ઉપસ્થિત રહી સમાજના યુવાનો વ્યસનોથી દૂર રહી નૈતિક મૂલ્યો સાથે લોકોપયોગી કાર્યોમાં જોડાવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે મુંબઇ સમાજના પ્રમુખ મનુસુખ વઘાસીયા તેમજ નિકુંજ કયાડાએ સમાજની સેવાકીય પ્રવૃત્તિનો ચિતાર આપ્યો હતો.
આ વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં અગ્રણીઓ દિપક ગુંદણીયા, દેવચંદ કાડીયા, દિેનેશ સુદાણી અને ભીમજી ગોંડલીયાએ ઉપસ્થિત રહી બાળકોને ઇનામનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિજય ઠુંમર, નિકુંજ કયાડા, જીત રંગાણી, નિલેષ વોરા, કીરીટ ગોંડલીયા, મહેશ ગજેરા, હિમલ સાવલીયા, દિનેશ બલર, વિજય વિસાવડીયા, ઋષિક વઘાસીયા અને સંજય ગજેરાએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં વલસાડ, ચીખલી, ધરમપુર, વાંસદા, પારડીથી બહોળી સંખ્યામાં સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે