પાટણ, 2 જુલાઈ (હિ.સ.)ભૂતિયા વાસણા ગામ ખાતે આવેલા ઐતિહાસિક ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં વિકાસ કાર્યનો બુધવારે ભવ્ય પ્રારંભ થયો હતો. પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલે ગ્રામજનોને મંદિરે થનારા વિકાસ કાર્યોમાં સહયોગ આપવા અપીલ કરી હતી.
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ પટેલની રજૂઆતના પરિણામે પ્રવાસન વિભાગ દ્વારા મંદિરમાં વિકાસ માટે રૂ. 2.70 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018થી પાટણ જિલ્લાના અનેક ઐતિહાસિક મંદિરોના ર્નિમાણ અને ઉદ્ધાર માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાઈ છે.
કાર્યક્રમ દરમિયાન ગામના સરપંચ તથા મંદિરના મહંત યોગીજી મહારાજે ધારાસભ્યનું સ્વાગત કર્યું હતું અને મંદિરના વિકાસ માટે આપેલી ગ્રાન્ટ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર