ભાવનગર 11 જુલાઈ (હિ.સ.) : ભાવનગર એરપોર્ટના ફાયર સ્ટેશન ખાતે આજે વિમાનતલ નિદેશક અને અન્ય વિભાગના વડાઓની હાજરીમાં ફાયર ક્રૂ દ્વારા BA સેટ અને પ્રોક્સિમિટી સૂટ પહેરવાનો ડેમો આપવામાં આવ્યો.ભાવનગર એરપોર્ટ ખાતે આવેલ ફાયર સ્ટેશન પર આજે અગ્નિશમન ટીમ દ્વારા મહત્વપૂર્ણ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં વિમાનતલ નિદેશક સહિત અન્ય વિભાગના વડાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. ફાયર ક્રૂ દ્વારા અગ્નિકાંડ દરમિયાન કામમાં લેવાતા સાધનો – બ્રીધિંગ એપેરેટસ (BA Set) અને પ્રોક્સિમિટી સૂટ – કેવી રીતે પહેરવામાં આવે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય, તેનો જીવંત ડેમો આપવામાં આવ્યો હતો.
ડેમો દરમિયાન ફાયર કર્મચારીઓએ તાત્કાલિક પ્રતિક્રિયાની તૈયારી, સલામતી પગલાં અને આગમાં બચાવ કામગીરીની રૂપરેખા રજૂ કરી. BA સેટના ઉપયોગથી ધુમાડાભર્યા અને ઓક્સિજન વિહોણા સ્થળે પણ સલામત રીતે પ્રવેશ કરવાનું દર્શાવવામાં આવ્યું. તેમજ પ્રોક્સિમિટી સૂટ દ્વારા અગ્નિથી રક્ષણ મેળવી સુરક્ષિત રીતે બચાવ કામગીરી કેવી રીતે હાથ ધરાય તે સ્પષ્ટ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ફાયર વિભાગની કાર્યક્ષમતા, સજાગતા અને પ્રાકૃતિક અથવા માનવસર્જિત આપત્તિ સમયે તાત્કાલિક પ્રતિસાદ આપવા માટેની તૈયારી દર્શાવવાનો રહ્યો. અંતે અધિકારીઓએ ફાયર ટીમના પ્રયાસોને આવકારતા અભિનંદન પાઠવ્યા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek