ભુજ - કચ્છ, 11 જુલાઈ (હિ.સ.) પૂર્વ કચ્છના અંજારમાં આવેલી વાહનવ્યવહાર વિભાગની પ્રાદેશિક કચેરી (આર.ટી.ઓ.)માં ડ્રાઈવિંગ ટેસ્ટિંગ ટ્રેકના સમારકામની પ્રક્રિયા ધીમી ચાલતી હોવાના લીધે એઆઇ સંચાલિત ટ્રેક અટવાયો હોવાની ફરિયાદ સામે આવી છે. બે માસથી મંદગતિના લીધે વાહન વપરાશકારોની સુવિધામાં વિલંબ થઇ રહ્યો છે.
એ.આઈ સંચાલિત પ્રોજેક્ટમાં ગતિ નહીં
વાહનવ્યવહાર વિભાગ દ્વારા રાજ્યભરની આર.ટી.ઓ. કચેરીઓમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ.આઈ.)ની આંખ તળે વાહન ચલાવવા માટેના પરવાનાની પરીક્ષા લેવા માટે તખતો ઘડવામાં આવ્યો છે, જેના ભાગરૂપે ભુજ આર.ટી.ઓ. કચેરીમાં પણ એ.આઈ. સંચાલિત ટ્રેક બનવા જઈ રહ્યો છે, ત્યારે પૂર્વ કચ્છની અંજાર આર.ટી.ઓ. કચેરીમાં ટ્રેકનું સમારકામ અંદાજિત બે મહિનાથી અટવાયેલું હોવાનું બહાર આવ્યું છે.
ચાર વખત માર્ગ મકાન વિભાગને જાણ કરાઇ
આર.ટી.ઓ. વિભાગ દ્વારા ટ્રેક સમારકામ સહિતની કામગીરી માટે માર્ગ અને મકાન વિભાગ (આર. એન્ડ બી.)ને પત્ર પાઠવવામાં આવ્યો છે. અંદાજિત ચાર વખત આર. એન્ડ બી.ને જાણ કરવામાં આવી છે. અલબત્ત કોઈ કારણોસર આ કામગીરી આગળ ધપતી નથી. પરિણામે એ.આઈ. સંચાલિત ટ્રેકની પરિયોજનાને સાકાર કરવામાં વિલંબ થઈ રહ્યો છે.
12.74 લાખનાં કામ માટે ટેન્ડર પ્રક્રિયા
માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાંત્રિક મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. અંદાજિત 12.74 લાખનાં કામ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. સમારકામના વિલંબના કારણે અહીં એ.આઈ. સંચાલિત ટ્રેક કાર્યરત થતાં અંદાજિત બે મહિના જેટલો સમય લાગી શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA