ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : જિલ્લા કલેક્ટર ગાંધીનગર, મેહુલ કે. દવે દ્વારા હંમેશા સરકારી યોજનાઓ અને તેનાથી થતા લાભો નગરજનો સુધી પહોંચાડવા વિશેષ પ્રયત્ન થતા રહે છે. જે જેનું છે, જેના માટે છે, તેના સુધી પહોંચાડવા સરકારી વહીવટી તંત્ર એક માધ્યમ છે, અને સમયસર જરૂરમંદ નાગરિકોને યોજનાકીય લાભો મળતા રહે તે તેમનો મૂળ ધ્યેય છે.
ત્યારે કલેક્ટર મેહુલ દવેની અધ્યક્ષતામાં પીંડારડા ગામ ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત લાભાર્થી પ્રોપર્ટી કાર્ડ ધારકો સાથે સીધો સંવાદ યોજાયો હતો.
આ પ્રસંગે કલેક્ટરએ પ્રોપર્ટી કાર્ડના મહત્વ વિશે ગ્રામજનોને વિગતવાર માહિતી આપતા સમજાવ્યું હતું કે, આ પ્રોપર્ટી કાર્ડથી જે તે મિલકતના માલિકી હક્કની ઓળખ થઈ શકે છે, તેમજ બેંક લોન, વારસાઈ અને મિલકત વહેંચણી જેવા વિવિધ કાર્યોમાં તે ઘણું ઉપયોગી બને છે. માટે દરેક મિલકત ધારકોએ આ પ્રોપર્ટી કાર્ડ ચોક્કસપણે કરાવી લેવું જોઈએ.
સાથે જ તેમણે ઉમેર્યું હતું કે, સ્વામિત્વ યોજનાની આ પહેલ ગ્રામીણ સમુદાયોના જમીનસબંધી હક્કોને મજબૂત બનાવી તેમના આર્થિક સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ બની રહેશે.
આ મુલાકાત અંતર્ગત કલેકટર સાથે ડી.આઈ.એલ.આર., મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ