સુરત, 11 જુલાઈ (હિ.સ.)-સુરત જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત
શહેર-જિલ્લામાં આવેલા બ્રિજોની સ્થાપના સમય તેમજ હાલની વર્તમાન પરિસ્થિતિ અંગે
સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.
રાજયના મુખ્યમંત્રીશ્રી દ્વારા તમામ જિલ્લાના કલેકટરશ્રીઓને તાજેતરમાં
વડોદરા જિલ્લાના મુજપુર- ગંભીરા બ્રીજ જેવી ઘટના ન બને તે માટે સુચનાઓ આપતા, સુરત
કલેકટરશ્રીએ તાકીદની બેઠક યોજી, સંબંધિત અધિકારીઓને
સુચનાઓ જારી કરી હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરે એક
દિવસીય ડ્રાય યોજી તમામ ઓવરબ્રિજો, નાળા અને ઓવરપાસ
જેવા પુલોનું તાત્કાલિક ટેસ્ટીંગ, સ્ટ્રક્ચરલની ચકાસણી
કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી, મેટ્રો, માર્ગ અને
મકાન વિભાગ, રેલ્વે, સુરત મહાનગરપાલિકા, સુડા, રાજ્ય તથા
પંચાયત વિભાગના અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. સાથે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા
વિકાસ અધિકારીઓ, મામલતદારશ્રીઓ પણ તેમના વિસ્તારના બ્રિજોની ચકાસણી કરવા
જણાવ્યું હતું.
આ
સંદર્ભે સુરત જિલ્લામાં આવેલ તમામ પુલોનું તકનિકી રીતે વિશ્લેષણ થાય તેમજ અન્ય
જોખમકારક સંકેતોની ઓળખ કરી જરૂરી સુધારાત્મક પગલાં લેવા સુચના આપી હતી. જરૂરીયાત
જણાય તો તકેદારીના ભાગરૂપે આવા બ્રિજોને બંધ કરવા સુચના આપી હતી.
નેશનલ
હાઈવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હસ્તકના દરેક
પુલ માટે પુલની વર્તમાન સ્થિતિ, ચકાસણી કરી એક
દિવસમાં સ્ટેટ્સ રિપોર્ટ સબમિટ કરાવ્યું હતું. આ તકે તમામ અધિકારીઓએ તેમના વિભાગ
હેઠળના બ્રીજોની વર્તમાના સ્થિતિ અંગેની વિગતો રજુ કરી હતી.
બેઠકમાં સુડાના મુખ્ય કારોબારી અધિકારી કે.એસ.વસાવા, નિવાસી અધિક
કલેકટર વિજય રબારી, માર્ગ મકાન સ્ટેટ, પંચાયતના
કાર્યપાલક ઈજનેરો, રેલ્વે, મેટ્રો, પોલીસ, નગરપાલિકાના
પ્રાદેશિક અધિકારી, પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, ચીફ ઓફિસરો, હાઈવેના
અધિકારીઓ, ડી.એફ.સી.આઇ.એલના પ્રોજેકટ ઓફિસર સહિતના અન્ય અધિકારીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે