પાટણ, 11 જુલાઈ (હિ.સ.)શ્રી ખોડલધામ કાગવડના પ્રણેતા નરેશ પટેલના 60મા જન્મદિવસ નિમિતે પાટણની બહેરા-મૂંગા શાળામાં શુક્રવારે વિશેષ સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો. શાળાના મૂક-બધિર બાળકોને બેડશીટનું વિતરણ કરવામાં આવ્યું અને મિષ્ટ અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા ખોડલધામના કન્વીનર દૈવત પટેલ, શહેર કન્વીનર પિંકલ પટેલ તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પાટણ પાલિકાના નગરસેવકો અને સ્થાનિક સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
નરેશ પટેલના જન્મદિવસની ઉજવણી માત્ર પાટણ સુધી મર્યાદિત ન રહી, સમગ્ર ગુજરાતમાં ખોડલધામ સંસ્થાની 80 જેટલી મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાઓમાં વિવિધ સેવાકાર્યો કરવામાં આવ્યા. દરેક સ્થળે સ્થાનિક જરૂરિયાત પ્રમાણે જિલ્લા સમિતિઓએ સહાય પહોંચાડી. પાટણની બહેરા-મૂંગા શાળાના સંચાલકો અને સ્ટાફે આ સેવાકાર્યની પ્રશંસા કરી અને ખોડલધામ પાટણ સમિતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર