પાટણ, 14 જુલાઈ (હિ.સ.) : પાટણના 13 વર્ષીય તરવૈયા વિહંગ આશિષકુમાર સાલ્વીએ અમદાવાદમાં યોજાયેલી ગુજરાત રાજ્ય જુનિયર અને સબ-જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. અંડર-14 કેટેગરીમાં ભાગ લઈ તેણે કુલ પાંચ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તેણે 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1500 મીટર ફ્રી સ્ટાઇલ તેમજ 200 મીટર વ્યક્તિગત મેડલીમાં વિજય મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે.
વિહંગ હાલમાં ઓક્સફોર્ડ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે અને અમદાવાદ સ્થિત સેવી સ્વરાજ સ્પોર્ટ્સ ક્લબમાં તાલીમ લે છે. તેની કોચિંગ કુમલેશભાઈ નાણાવટી અને ધ્રુવભાઈ કરે છે. તેઓના માર્ગદર્શન હેઠળ વિહંગ નિયમિત અભ્યાસ અને કઠોર મહેનતથી પોતાની ક્ષમતા વિકસાવી રહ્યો છે.
વિહંગની આ સિદ્ધિ પાટણ શહેર અને તેની શાળાનું નામ ઉજ્જવળ બનાવી છે. તેની સફળતા અન્ય યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. આવી જ મહેનત અને સફળતાના ધોરણે તે ભવિષ્યમાં રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉંચાઈએ પહોંચે તેવી અપેક્ષા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર