ભુજ - કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) ચોમાસાની ઋતુ શરૂ થાય અને કચ્છમાં જો એકધારો અને સારો વરસાદ પડે તો પ્રકૃતિ ખીલી ઉઠે છે. સંખ્યાબંધધોધ વહી નીકળે છે. નખત્રાણા તાલુકાનો કડીયાધ્રો ધોધ પણ આ ચોમાસામાં જોશભેર પાણીથી વહી રહ્યો છે. આમ તો તંત્રે ત્યાં જવા ઉપર પ્રતિબંધ લાદ્યો છે. પરંતુ કોઇ રીતે પહોંચી ગયેલો ભુજનો યુવાન રવિવારે ડૂબી ગયો હતો. એનડીઆરએફ દ્વારા તેનો મૃતદેહ કાઢવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. ભુજનો રમજાન તમાચી નોડે નામનો 17 વર્ષનો યુવાન ફરવા ગયો હતો અને ડૂબ્યો હતો.
મનાઇ છતાં લોકો ધોધ સુધી પહોંચે છે
અત્રે ઉલ્લેખની છે કે, બે દિવસ પહેલા જ પીઓણી પાસેના ધોધમાં કોલી યુવાન ડૂબી ગયો હતો. બીજો બનાવ રવિવારે કડીયાધ્રો ખાતે બનવા પામ્યો છે. નખત્રાણા તાલુકામાં આવા અનેક કુદરતી દ્રશ્યોના ધોધ આવેલા છે અને વરસાદ બાદ લોકો નિહાળવા જતા હોય છે અને સ્ટંટ બાજ લોકો તેમાં ડૂબકી લગાવતા હોય છે જે જોખમી બની રહી છે તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં કેટલાક તીખડખોર લોકો ડૂબકી લગાવી મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે ખરેખર આવા ધોધ ઉપર સદંતર મનાઈ કરવી જોઈએ.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA