વિશ્વભરમાં લોકપ્રિય ફ્રેન્ચ ફ્રાઈસની બનાવટ માટે ગુજરાત કરે છે પ્રોસેસ્ડ બટાટાનું ભરપૂર ઉત્પાદન, દેશમાં અગ્રેસર
ગાંધીનગર, 14 જુલાઈ (હિ.સ.) : ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જ
પ્રોસેસ્ડ બટાટાનું ભરપૂર ઉત્પાદન


પ્રોસેસ્ડ બટાટાનું ભરપૂર ઉત્પાદન


ગાંધીનગર, 14 જુલાઈ (હિ.સ.) : ફ્રેન્ચ ફ્રાઈસ એ વિશ્વભરમાં લોકપ્રિય સ્નૅક્સ છે અને બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને તે પસંદ હોય છે. ભારત પહેલાં જે ફ્રેન્ચ ફ્રાઈસની આયાત કરતું હતું, તેની હવે ભરપૂર નિકાસ કરી રહ્યું છે. એટલું જ નહીં, ફ્રેન્ચ ફ્રાઈસ, વેફર્સ જેવી ક્રિસ્પ વસ્તુઓ જે પ્રોસેસ્ડ બટાટામાંથી બને છે તેનું પણ ભરપૂર ઉત્પાદન કરી રહ્યું છે. આમાં ગુજરાતનો પણ મહત્વપૂર્ણ ફાળો છે.

છેલ્લા બે દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું

2004-05માં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 1 લાખ ટનથી ઓછું હતું અને માત્ર 4000 હેક્ટર જેટલે વાવેતર વિસ્તાર હતો. છેલ્લા 2 દાયકામાં પ્રોસેસ્ડ બટાટાનું ઉત્પાદન 10 ગણું વધ્યું છે અને 37,000 હેક્ટર વાવેતર વિસ્તાર સાથે 11.50 લાખ ટન સુધી પહોંચી ગયું છે. આજે ગુજરાત પ્રોસેસ્ડ બટાટાનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે, સાથે ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફર્સનું સૌથી મોટું નિકાસકાર પણ બન્યું છે. પ્રોસેસ્ડ બટાટાના ઉત્પાદનમાં ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્ય અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને સશક્ત બનાવવા માટે મૂલ્યવર્ધિત ખેતપેદાશો પર ભાર મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારની ખેડૂત-કેન્દ્રિત નીતિઓ તેમજ કૃષિ વિભાગ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મજબૂત સમર્થન સાથે ગુજરાતે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતીમાં નોંધનીય સફળતા મેળવી છે.

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું

વર્ષ 2024-25માં ગુજરાતમાં 48.59 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું જેમાં લગભગ 25%થી વધુ લેડી રોસેટા અને બાકી કુફરી બટાટાનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ શાક બનાવવા માટે થાય છે. ગુજરાત જે પ્રોસેસિંગ-ગ્રેડ બટાટાની ખેતી કરે છે તેને ફ્રેન્ચ ફ્રાઈસ, ચિપ્સ અથવા ફ્રોઝન ફૂડ બનાવતા દેશભરના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગોને મોટા પાયે સપ્લાય કરવામાં આવે છે. પ્રોસેસ્ડ ગ્રેડ બટાટાના કુલ ઉત્પાદનમાંથી લગભગ 60 ટકા વેફર માટે અને લગભગ 40 ટકા ફ્રેન્ચ ફ્રાય પ્રોડક્શન માટે વપરાય છે. આમાં સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓનો મુખ્ય ફાળો છે, જે ભારતમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને વેફરની વધતી માંગને પૂરી કરી રહ્યા છે.

વર્ષ 2024-25માં ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુલ 1.19 લાખ હેક્ટરમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને પ્રતિ હેક્ટર 32.36 ટન સરેરાશ ઉત્પાદકતા સાથે કુલ 38 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.

18.70 લાખ ટન બટાટાના ઉત્પાદન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ ક્રમે

વર્ષ 2022-23માં બનાસકાંઠા જિલ્લામાં 53,548 હેક્ટરના વાવેતર વિસ્તારમાં 15.79 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું, એટલે કે તેની ઉત્પાદકતા 29.5 ટન પ્રતિ હેક્ટરની હતી. વર્ષ 2023-24માં 52,089 હેક્ટર વિસ્તારમાં 30 ટન પ્રતિ હેક્ટરની ક્ષમતા સાથે 15.62 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. આ આંકડો વર્ષ 2024-25માં 18.70 લાખ ટન સુધી પહોંચી ગયો છે, જે ગુજરાતમાં કોઈ જિલ્લામાં બટાટાનું સૌથી વધુ ઉત્પાદન છે. આ સમયગાળામાં 61,016 હેક્ટર વાવેતર વિસ્તારમાં 30.65 ટન પ્રતિ હેક્ટરની ઉત્પાદકતા નોંધાઈ હતી.

સાબરકાંઠા અને અરવલ્લીમાં અનુક્રમે 12.97 લાખ ટન અને 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન-

બનાસકાંઠા બાદ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં પણ બટાટાનું વિપુલ ઉત્પાદન થયું છે. સાબરકાંઠામાં વર્ષ 2024-25માં 37,999 હેક્ટર વિસ્તારમાં 34.13 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 12.97 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લામાં અન્ય જિલ્લાની સરખામણીએ બટાટાની ખેતી તાજેતરના વર્ષોમાં શરૂ થઈ છે તેમ છતાં આ જિલ્લાએ રાજ્યના કુલ બટાટાના ઉત્પાદનમાં નોંધનીય ફાળો આપ્યો છે. વર્ષ 2024-25માં અરવલ્લીમાં 20,515 હેક્ટર વિસ્તારમાં 34.05 ટન/હેક્ટરની ક્ષમતા સાથે 6.99 લાખ ટન બટાટાનું ઉત્પાદન થયું હતું.

બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છે અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધા-

ગુજરાતનો ઉત્તરીય પટ્ટો ફળદ્રુપ જમીન, અનુકૂળ આબોહવા અને અદ્યતન ખેતી પ્રણાલીના કારણે ચિપ-ગ્રેડ અને ફ્રેન્ચ ફ્રાઈ-ગ્રેડ બટાટાના ઉત્પાદન માટે આદર્શ બન્યો છે. અહીં લેડી રોસેટા, કુફરી ચિપ્સોના, સન્તાના જેવી જાતોની ખેતી થાય છે, જેમાં શુષ્ક પદાર્થનું પ્રમાણ વધુ અને ખાંડનું પ્રમાણ ઓછું હોય છે, જેથી તે ક્રિસ્પ, ગોલ્ડન ફ્રાઈસ બનાવવા માટે યોગ્ય છે. આ બટાટા ફ્રોઝન ફૂડ પ્રોસેસર્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs) જેમ કે મૅકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ અને ડોમિનોઝને સપ્લાય કરવામાં આવે છે, અને ખાસ કરીને મધ્ય પૂર્વમાં તેની નિકાસ કરવામાં આવે છે. બનાસકાંઠા, સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અદ્યતન કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ છે, જે આ સપ્લાય ચેઇનને ટેકો આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande