પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.) : ગુજરાત સરકાર દ્વારા રાજયમાં આવેલા તમામ બ્રિજોની સ્ટ્રકચરલ સ્ટેબિલિટી ખરાઈ કરવાનું જણાવેલ છે તેથી જ્યાં સુધી ચુના ભઠી વિસ્તારથી ઓલ વેધર પોર્ટને જોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલ ડેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ન થાય ત્યાં સુધી ભારે વાહનો/મધ્યમ વાહન માટે સાવચેતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરવા તેમજ વૈકલ્પિક રૂટ ઉપરથી ભારે/મધ્યમ વાહનોની અવર-જવર કરવા માટે પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે.
જાહેરનામાં અનુસાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951 ની કલમ-33(1)(ખ) અન્વયે પોરબંદર ચુના ભઠી વિસ્તારથી ઓલ વેધર પોર્ટને જોડતા લકડી બંદર વિસ્તારમાં આવેલ ડેક બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી ભારે/મધ્યમ વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વૈકલ્પિક માર્ગ તરીકે લકડી બંદરમાં આવેલ ડેક બીજને ભારે/મધ્યમ વાહનોના પરિવહન માટે બંધ કરી ઝાવર વિસ્તાર સુભાષનગર વિસ્તાર અને બોખીરા વિસ્તાર તરફથી ડેક બ્રીજ પરથી પોરબંદર સિટી વિસ્તારમાં આવતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ તરીકે ઝાવર વિસ્તાર, સુભાષનગર વિસ્તાર થી સતીઆઇ મંદીર, બોખીરા ચાર રસ્તા, જુબેલી બ્રિજ પર થઇ દરાણીયું ઉતરી નવા કુંભારવાડા મેઇન રોડ યુના ભઠ્ઠા ત્રણ રસ્તા થઇ લકડી બંદર તરફ તેમજ સિટી વિસ્તારમાં પ્રવેશ કરવાનો રહેશે, તે જ રીતે જવા માટે પણ આ જ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાહન ચાલકે પોતાનું વાહન ગતિ મર્યાદામાં ચલાવવું અને અકસ્માતના બનાવો ન બને તેની ખાસ તકેદારી રાખવી, આ રોડ ઉપર ખુબ જ ટ્રાફિક રહેતું હોય જેથી વાહન ચાલકે પોતાનું વાહન ક્યાય પાર્ક કરવું નહિ, ભારે વાહન ચાલકે તેમના વાહનની સાઇઝથી વધારે અને ક્ષમતાથી વધારે માલ ન ભરવો, માલ ભરેલ વાહનમાં માલ ઉપર તાલપત્રી બાંધવી તેમજ કોઇપણ વાહનચાલકે મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ કરવો નહિ. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya