પાટણ, 14 જુલાઈ (હિ.સ.) : ભાભર તાલુકાના ગોસણ ગામની વતની અને ફક્ત 23 વર્ષની જલ્પાબેન રબારીએ પાટણ શહેરમાં ‘આપણું ઘર’ નામે અનાથ આશ્રમની સ્થાપના કરી છે. આ આશ્રમનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું. તિરુપતિ પ્લાઝામાં ભાડે લીધેલા 12 રૂમમાં શરૂ કરાયેલા આશ્રમમાં હાલ 12 બાળકો રહે છે અને કુલ 35 બાળકો માટે રહી શકે તેવી વ્યવસ્થા છે.
જલ્પાબેને ધોરણ 12 પછી ગાંધીનગરમાં વિઝા કંપનીમાં ત્રણ વર્ષ નોકરી કરી હતી તેમજ સ્ટેજ પર ગાયિકા તરીકે પણ કામગીરી કરી છે. નોકરી અને કાર્યક્રમો દરમિયાન ભિક્ષા માંગતા બાળકોને જોઈને તેમને અનાથ બાળકો માટે કંઈક કરવાની પ્રેરણા મળી હતી. આશ્રમમાં 1થી 13 વર્ષની વયના બાળકોને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે. રહેવા, જમવા, ભણવા, કપડાં અને શાળાની ફી સહિત તમામ ખર્ચ સંસ્થા ઉઠાવે છે.
આશ્રમમાં બાળકોને શિક્ષણ સાથે ગાયન, નૃત્ય અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓમાં તાલીમ આપવામાં આવશે. જલ્પાબેન પોતે પણ બાળકોને અભ્યાસમાં મદદ કરે છે. ગુજરાતના કોઈપણ જિલ્લાના અનાથ બાળકોને અહીં પ્રવેશ આપવામાં આવશે. લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્યો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જલ્પાબેનના પ્રયાસની પ્રશંસા કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર