અમદાવાદ, 14 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શેઠ લલ્લુભાઈ ગોરધનદાસ જનરલ હોસ્પિટલ શહેરના પુર્વ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને તાત્કાલીક મફત સારવાર અને રાહત દરે અદ્યતન સુવિધા પુરી પાડતી હોસ્પિટલ છે. તાજેતરમાં આ હોસ્પિટલમાં ૩ વર્ષના બાળકમાં જવલ્લે જોવા મળતા રોગનું નિદાન કરવામાં આવ્યું હતું
એલજી જનરલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડેટના જણાવ્યા અનુસાર, આ હોસ્પિટલમાં ૩ વર્ષના બાળ દર્દીને સર્જીકલ ઓપીડીમાં ખૂબ જ ઉલ્ટી અને પેટના દુ:ખાવા અને પેટ ફૂલી જવાની સારવાર અર્થે તેના માતાપિતા લઇને આવ્યા હતા.
આ દર્દીને તપાસતા વાયટલોઇન્ટેસ્ટિનલ ડક્ટ એટલે કે, ગર્ભાવસ્થામાં આંતરડાના વિકાસ સમય એવો જોડાણ જે પોષણ માટે જોડાયેલું હોય છે, તેને લગતી બિમારીને સમય જતાં (૮ થી ૯ અઠવાડિયે) આ જોડાણ વિલુપ્ત થાય છે અને ખાલી નાભિનો ભાગ રહે છે. કોઈક વાર આ જોડાણ રહી જાય છે અને તેમાંથી આંતરડા, નાભિ અને મૂત્રાશયના અમુક પરિસ્થિતિ નિર્માણ થાય છે, જેને મેકલ્સ ડાયવર્ટિક્યુલમ, અમ્બિલિકલ ફિસ્ટ્યુલા અથવા યુરેકલ સાયનસ કહેવામાં આવે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે , સામાન્ય રીતે ઉપરની વિશેષ પરિસ્થિતિ ૨ થી ૬૦ વર્ષની વ્યક્તિમાં કોઈક કોમ્પ્લિકેશન થાય ત્યારે જોવા મળે છે, જેમાં આંતરડામાં ઇન્ફેક્શન, આંતરડામાં અવરોધ (ઈન્ટેસ્ટીનલ ઓબસ્ટ્રક્શન) અથવા નાભિમાંથી પરૂ અથવા પાણી નીકળવું જેવી પરિસ્થિતિ જોવા મળે છે. મેકલ્સ ડાયવર્ટિક્યુલમ અને અમ્બિલિકલ સાયનસ એ બંને ૨ ટકામાં જોવા મળે છે અને તેમાં પણ તેના કારણથી આંતરડામાં અવરોધ (ઈન્ટેસ્ટીનલ ઓબસ્ટ્રક્શન) ખૂબ જ રેર પરિસ્થિતિ છે.
આ ૩ વર્ષનાં બાળ દર્દીને ૭ દિવસથી સતત ઉલ્ટી, પેટમાં દુખાવો, પેટ ફૂલી જવું, ઝાડો બંધ થઈ જવો જેવી તકલીફો રહેતી હતી. એટલું જ નહિ, આ પરીવાર દ્વારા બાળકને ખાનગી હોસ્પિટલમાં બતાવ્યું, દાખલ થયા, ઇન્જેક્શન પણ અપાયા પરંતુ રોગ પકડાતો ન હતો તેથી તે એલ.જી.હોસ્પિટલમાં બતાવવા આવ્યા હતા.
એલજી હોસ્પિટલમાં દેખાડવા આવ્યા ત્યારે આ દર્દીએ ઓપીડીમાં જ ઉલટી કરી, જેથી તેને દાખલ કરીને લોહીના રિપોર્ટ, સોનોગ્રાફી કરાવ્યા જેમાં આંતરડામાં અવરોધ સિવાય કાંઈ આવ્યું નહી જેથી દવાઓ ચાલુ રાખી સીટી સ્કેન કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં પણ નાના આંતરડામાં અવરોધ આવ્યો પરંતુ સ્પષ્ટ કારણ જણાતું ન હતું.
આ અંગે વધુમા વાત કરતા મેડીકલ સુપ્રિન્ટેન્ડેટએ વધુમાં કહ્યું કે, મેકલ્સ ડાયવર્ટિક્યુલમથી એક ગોળ ફરતો band(દોરી આકાર) આંતરડાની ફરતે બનતા તે આંતરડાને અવરોધ ઉભો થતો હોય છે. આ પરિસ્થિતિ સામાન્ય રીતે સીટી સ્કેનમા દેખી શકાતું નથી. જેનાં માટે ક્લિનિકલ ડાયગ્નોસિસ પર જ આધાર રાખવો પડતો હોય છે.
અંતમાં દર્દીને ઓપરેશનમાં લેવાનો નિર્ણય લીધો, કારણકે જો વધારે સમય રાહ જોવામાં આવે તો પેટમાં ચેપ ફેલાવાની, આંતરડામાં કાણું પડવાની અથવા ક્ષાર(ઇલેક્ટ્રોલાઇટ્સ ઇમ્બેલેન્સ)ની અનિયમિતતા તથા તેના કારણ કિડની પર અસર થઈ શકે છે .
ઓપરેશનમાં મેકલ્સ ડાયવર્ટિક્યુલમના band (દોરી)ના કારણથી ઇન્ટેસ્ટિનમા અવરોધ ઉભો થયેલો હતો તથા અમ્બિલિકલ સાયનસ પણ બનેલું હતું. (આ પરિસ્થિતિ ખૂબ જ રેર છે, જે લગભગ < ૧ ટકા વ્યક્તિઓમાં જ જોવા મળે છે તથા તે જન્મજાત અથવા કંજેનિટલ હોય છે. ) આ band ને દૂર કરીને જે મેકલ્સ ડાયવર્ટિક્યુલમ વાળો ભાગ આંતરડાથી દૂર કરીને આંતરડાને ફરીથી જોડવામાં આવ્યું, જેથી ફરીથી આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં. આમ, બાળકોમાં થતાં ઑપરેશન હમેશાં ખુબ જ કાળજીપૂર્વક કરવા પડે તથા આવી જૂજ જોવા મળતી પરિસ્થિતિનું નિદાન કરવું અનુભવ અને ચીવટ માંગી લે છે.
સર્જરી વિભાગના વડા ડૉ અસિત પટેલ તથા ડૉ હિતેશ અંધારિયા (યુનિટ હેડ)ના માર્ગદર્શનમાં ડૉ તપન શાહ, ડૉ મુકેશ સુવેરા (યુનિટ હેડ), ડૉ આકાશ રાઠોડ, ડૉ ધ્રુવેશ શેઠ, ડૉ નિશીત ચૌધરી તથા ડો ધવલ મનુન્દ્રા તથા સર્જરી યુનિટના અન્ય ડોક્ટર તથા એનેસ્થેશિયા વિભાગના ડોક્ટર દ્વારા સફળપુર્વક ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં દર્દીની પરિસ્થિતિ સારી છે અને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલ.જી.જનરલ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં સારવાર મેળવતા દર્દીઓની દૈનિક સરેરાશ સંખ્યા ૩૨૦૦ જેટલી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ