જુનાગઢ, 14 જુલાઈ (હિ.સ.) જિલ્લામાં જુન મહિનાથી જ સતત પડી રહેલ વરસાદના કારણે રસ્તા પર વૃક્ષો ઝાડી ઝાંખરા પડતા રસ્તાની સપાટી પર માઇનોર ડેમેજ, તેમજ નાળા/પુલીયાને નુકશાન થયુ છે. જેને રીપેરીગ કરી પૂર્વવત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા અવિરત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) ના દરેક રસ્તા પર કામગીરી સુપેરે થાય તે માટે મદદનીશ ઇજનેર તેમજ અધિક મદદનીશ ઇજનેરના સુપર વિઝન હેઠળ ટીમો મુકવામાં આવી છે. જેમના દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
રસ્તાઓ તેમજ પુલોમાં સમારકામ/સુધારણાની કામગીરીનો ઝડપી બનાવવા જરૂરી મશીનરી તેમજ માનવબળ કામે લગાડવામાં આવેલ છે. જે ટીમ કોઇપણ પરિસ્થિતિમાં તાત્કાલીક ધોરણે કામગીરી કરવા માટે પુર્ણ સજ્જ છે. તેમની કામગીરીનું નિરીક્ષણ નાયબ કાર્યપાલક ઇજનેર, તેમજ કાર્યપાલક ઇજનેર દ્વારા પણ સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં જુન ૨૦૨૫ થી વરસાદના કારણે અસરગ્રત કુલ ૧૮ જેટલા રસ્તા પર ખરાબ સપાટી પર પેચની કામગીરી પુર્ણ કરેલ છે. તેમજ બાકીના રસ્તા પર કામગીરી પ્રગતિમાં છે. વિભાગ હેઠળના કુલ ૯૩ જેટલા પુલોનું નિરીક્ષણ તેમજ જરૂર જણાયેલ પુલો પર સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. બાકીના પુલોના નિરિક્ષણની કામગીરી પ્રગતિમાં છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ