ભુજ - કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા ગયા વર્ષથી કાર્યરત કરાયેલાં એક્સટેન્શન સેન્ટરનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય લેવાયો છે. એક તરફ નેકની માન્યતા મળ્યા બાદ આ શૈક્ષણિક વર્ષથી ચાર એક્સટર્નલ કોર્સ શરૂ થવાના છે, બીજી તરફ એક્સટેન્શન સેન્ટરને મળતા બહોળા પ્રતિસાદને ધ્યાને લઈ વધુ બે કેન્દ્ર કાર્યરત કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
ભુજ અને મુન્દ્રા તાલુકામાં શરૂઆત થશે
અંતરિયાળ વિસ્તારમાં અભ્યાસ કરતી દીકરીઓ અધવચ્ચેથી અભ્યાસ ન છોડે એ માટે ગુજરાતમાં સંભવત પ્રથમવાર કચ્છ યુનિ. દ્વારા આ પ્રથમ પ્રયોગ હાથ ધરી ઉદ્યોગ જૂથો અને દાતાઓના સહયોગથી ધોળાવીરા, આડેસર, પાનધ્રો, ખાવડા અને ગઢશીશામાં પણ એક્સટેન્શન સેન્ટર કાર્યરત કરાયાં હતાં. આ સેન્ટરને મળેલા સારા પ્રતિસાદને ધ્યાને લઈ ભુજ તાલુકાના ગોરેવાલી અને મુંદરા તાલુકાના લુણી ખાતે નવાં કેન્દ્રો કાર્યરત કરવાનો નિર્ણય લેવાયો છે.
200થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી
કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરના જણાવ્યાનુસાર આ બંને નવાં કેન્દ્રો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને આ કેન્દ્ર કાર્યરત થાય તે માટેની ગતિવિધિને આગળ ધપાવવામાં આવી છે. હાલમાં કાર્યરત પાંચ એક્સટેન્શન સેન્ટરમાં પ્રવેશ માટે 200થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે.
બે બસની સુવિધાઓ પણ મૂકાશે
વિદ્યાર્થીઓને આવાગમનમાં સરળતા રહે એ માટે ટૂંક સમયમાં બે બસ પણ સંચાલનમાં મૂકવામાં આવશે. આ બસ સીએસઆર ફંડમાંથી યુનિ.ને આપવામાં આવી છે. કુલપતિ ડો. મોહનભાઈ પટેલના જણાવ્યાનુસાર આમ તો એક્સટર્નલ કોર્સ શરૂ થયા બાદ એક્સટેન્શન સેન્ટરનું ભારણ ઘટવાનું છે. આમ છતાં હાલમાં કાર્યરત કેન્દ્રોને મળેલા બહોળા પ્રતિસાદને ધ્યાને લઈ નવાં બે કેન્દ્ર કાર્યરત કરવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA