ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) : ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન.કે. મીના એ આજે શહેરના મહત્વના વિકાસકામોની મુલાકાત લીધી હતી. કમિશનરએ કુંભારવાડા અંડરબ્રીજ, ઘોઘા સર્કલ તેમજ રૂવા રવેચી ધામથી મંત્રેશ સર્કલ સુધીના મુખ્ય રોડના કામકાજનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે રસ્તાની હાલત, સર્જાયેલી સમસ્યાઓ તેમજ ચાલુ રહેલા અને સંભાવિત કામોની વિસ્તૃત માહિતી પણ લીધી હતી.
આ સ્થળ નિરીક્ષણ દરમિયાન એડીશનલ સીટી એન્જિનિયરશ્રી તથા રોડ વિભાગના કાર્યપાલક ઇજનેર સહિત સમગ્ર ટેકનિકલ ટીમ સાથે બેઠક યોજી હતી. કમિશનરએ રસ્તાના સમારકામ અને સુધારણાં સંબંધિત કામો ગુણવત્તા સાથે યોગ્ય ગતિએ પૂર્ણ થાય તે માટે સુચનાઓ આપી હતી. રોડ પર ક્યાંય પાણી ભરાવાની સમસ્યા ન રહે, ડ્રેનેજ લાઈનો યોગ્ય રીતે કાર્યરત રહે અને રસ્તાની સપાટી સરળ બનાવાય તેવા સૂચનોથી અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
સાથે જ ટ્રાફિક વ્યવસ્થાના દૃષ્ટિકોણે જરૂરી સુધારાઓ માટે પણ નિર્દેશ આપ્યા હતા. કમિશનરશ્રીએ રાત્રી દરમિયાન તેમજ ટ્રાફિક ઓછી હોય તેવા સમયમાં કામો કરવાની પ્રાથમિકતા આપવાનું અધિકારીઓને જણાવ્યું હતું.
અંતે તમામ વિકાસ કામો લોકોને લાભદાયી બને અને નાગરિકોને અત્યાધિક તકલીફ વિના કામો પૂર્ણ થાય તે માટે નિયત સમયમાં ગુણવત્તાયુક્ત કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરએ અધિકારીઓને ફરમાન આપ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek