પાટણ, 14 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ એલસીબી પાટણની ટીમે મોટરસાયકલ ચોરીના કેસમાં મહત્વની સફળતા મેળવી છે. એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરની ટીમને બાતમી મળી હતી કે પ્રેમાજી ઠાકોર અને રણછોડજી ઠાકોર મોટરસાયકલની ચોરી કરી અન્ય લોકોને વેચે છે.
પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઝડપી લીધા હતા. પૂછપરછમાં બંનેએ અમદાવાદ ગ્રામ્યના માંડલ, વિરમગામ રૂરલ અને હાંસલપુર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી ત્રણ મોટરસાયકલની ચોરી કર્યાનું કબૂલી લીધું હતું. વધુમાં આરોપીઓએ એક મોટરસાયકલ વિજયસિંહ સોલંકીને આપ્યાનું પણ જણાવ્યું હતું.
પોલીસે ત્રણેય આરોપીઓને ત્રણ મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યા છે. તેમની સામે BNNS કલમ 35(1)(ઈ) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓમાં પ્રેમાજી ડાહ્યાજી ઠાકોર (રહે. અઘાર, હાલ ચંદ્રુમાણા-પાટણ), રણછોડજી કમશીજી ઠાકોર (રહે. અડીયા-હારીજ) અને વિજયસિંહ જગતસિંહ સોલંકી (રહે. વિઠ્ઠલાપુર-માંડલ)નો સમાવેશ થાય છે. આગામી કાર્યવાહી માટે આરોપીઓને પાટણ શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર