ભાવનગર 14 જુલાઈ (હિ.સ.) ભાવનગર શહેરના મુખ્ય માર્ગોમાંના એક એવા ઘોઘા સર્કલ વિસ્તાર પર છેલ્લા કેટલાક દિવસોથી ભારે ટ્રાફિક અને ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. હવે પાલિકા દ્વારા એ મુદ્દે ગંભીરતા દાખવવામાં આવી છે અને પેચ રીપેરીંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.
શહેરના વિકાસ માટે પ્રતિબદ્ધ રહેલી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘોઘા સર્કલથી જોડાતા મુખ્ય માર્ગો પર પેચવર્ક શરૂ કરીને રસ્તાને ફરીથી દુરસ્ત બનાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં સતત વરસાદ પડવાથી રસ્તા ધોવાઈ જતાં વાહનચાલનમાં ખલેલ પડી હતી. સ્થાનિક રહીશો તેમજ દુકાનદારોએ રસ્તાની બિસમાર હાલત અંગે અનેક વખત રજૂઆત કર્યાની પૃષ્ઠભૂમિમાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
આ કામગીરી માટે ખાસ મશીનો અને મજૂરોની ટીમ ગોઠવી રાત-દિવસ સતત કાર્ય ચાલું રાખવામાં આવી રહ્યું છે. ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નિયંત્રણ પણ અમલમાં મૂકાયું છે જેથી કામગીરી દરમિયાન વાહનચાલકોને ઓછામાં ઓછી અસુવિધા થાય.
પાલિકા અધિકારીઓએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં શહેરના અન્ય મુખ્ય માર્ગો અને ટ્રાફિકપ્રવાહી વિસ્તારોમાં પણ આવી જ રીતે પેચ રીપેરીંગનું વિશાળ અભિયાન શરૂ કરવામાં આવશે. લોકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ સહકાર આપે અને કોઈ મુશ્કેલી હોય તો પાલિકા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરે.
આ કામગીરીના કારણે વાહનચાલકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek