રાજકોટ 14 જુલાઈ (હિ.સ.) રાજકોટ શહેરના બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગ્રીન લેન્ડ ચોકડી, લાલપરી નજીક મફતીયાપરામાં થયેલ ગંભીર મર્ડરના અનડીટેક્ટ ગુન્હાને ગણતરીની કલાકોમાં ડીટેક્ટ કરીને આરોપીઓની ઝડપી ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મફતીયાપરામાં અજાણ્યા ઈસમ દ્વારા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને માનવ ગુપ્ત સ્રોતોના આધારે સઘન તપાસ હાથ ધરતાં હત્યાના મુખ્ય આરોપીઓ તરીકે શાહરૂખ ઇકબાલભાઈ સરવદી તથા અકરમભાઇ ઇસ્માઇલભાઇ સરવદીના નામ સામે આવ્યા હતા. બંને આરોપીઓ મફતીયાપારાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને શહેરના અલગ અલગ વિસ્તારમાંથી ઝડપીને કડક પુછપરછ કરવામાં આવી હતી, જેમાં હત્યાના ગુનામાં તેમની સંડોવણી પુષ્ટિ થઈ હતી.
આરોપીઓએ પોતાની વ્યક્તિગત અદાવતના કારણે યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપીઓ સામે બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ઝડપી અને અસરકારક કામગીરીથી અનડીટેક્ટ મર્ડર કેસ ગણતરીની કલાકોમાં ઉકેલાતાં વિસ્તારમાં રાહતનો માહોલ છવાઈ ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek