રાજકોટ 14 જુલાઈ (હિ.સ.) રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ની ટીમે ગુપ્ત માહિતીના આધારે સફળ કાર્યવાહી કરી હતી. શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલા ગેબનશાપીરની દરગાહ સામે કેટલાક શંકાસ્પદ ઇસમો માદક પદાર્થ ગાંજાનો વેપાર કરી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેડ કરી હતી. પોલીસે ત્યાંથી ઈસમ અફઝલ આલુશા બાનવાને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી દરમિયાન કુલ ૨.૪૩૯ કિલોગ્રામ વિદેશી બનાવટના ગાંજાનો જથ્થો મળ્યો હતો. જેમાં ગાંજાની કિંમત અંદાજે રૂ. ૨,૪૩,૯૦૦/- ની થયેલ છે.
આ સાથે જ ગાંજાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ મોબાઇલ ફોન, રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ. ૩,૩૮,૨૬૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લેવાયો હતો. પ્રાથમિક પુછપરછમાં આરોપી અગાઉ પણ નશીલા પદાર્થોના ગેરકાયદેસર વ્યવસાયમાં સંડોવાયેલ હોવાની માહિતી મળી છે.
આ સમગ્ર કાર્યવાહી રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી અને એ.સી.પી. શ્રીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૨ની ટીમે સફળ બનાવી હતી. પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ NDPS ઍક્ટની તજવીજ હાથ ધરવામાં આવી છે. સાથે જ આરોપીના સહયોગીઓ અને ગાંજાના જથ્થા ક્યાંથી અને કેવી રીતે લાવ્યા અને કેટલાંક ગ્રાહકોને વેચાણ કરેલો છે તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek