ગાંધીનગર, 14 જુલાઈ (હિ.સ.) : રાણપુર તાલુકાના ગોધાવટા ગામ પાસે મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બોચાસણથી સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર તરફ જઈ રહેલી અર્ટિકા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર સાત વ્યક્તિમાંથી બેનાં મોત થયાં છે, એક સ્વામી લાપતા બન્યા છે, જ્યારે ચારનો આબાદ બચાવ થયો છે.
પરિસ્થિતિની ગંભીરતા જોતાં NDRF ની ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. NDRFની ટીમ અત્યાધુનિક સાધનો અને કુશળ માનવબળ સાથે લાપતા સ્વામીને શોધવા માટે પાણીના પ્રવાહમાં સઘન કામગીરી કરી રહી છે.
બરવાળાના પ્રાંત અધિકારી એસ.વી.ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઇકાલે એક અર્ટિકા કાર જઈ રહી હતી, જેની અંદર સાત લોકો સવાર હતા. તેઓ ગોધાવટાના કોઝવે આગળ, જ્યાં પાણીનો પ્રવાહ બહુ વધારે છે એને પાર કરવાની કોશિશ કરતાં ગાડી તણાઇ હતી. એમાંથી ચાર લોકો બચી ગયા હતા અને ત્રણ લોકો ગાડી સાથે તણાતાં ફસાઇ ગયા હતા. એમાંથી બે લોકોની લાશ મળી છે. એને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે, જ્યારે એક વ્યક્તિ હજુ લાપતા છે. તેના માટે NDRFની ટીમ કામે લાગી છે. આ ઉપરાંત એરિયલ સર્વે માટે ડ્રોન દ્વારા એક કિલોમીટરના અંતર સુધી એરિયલ સર્વે કરી દીધો છે.
મળતી માહિતી મુજબ, કારમાં કુલ સાત લોકો સવાર હતા, જેમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી પણ સામેલ હતા. આ ઘટનામાં કૃષ્ણકાંત પંડ્યા અને આશરે 10 વર્ષના પ્રબુદ્ધ કાસિયા નામની બે વ્યક્તિના મૃતદેહ મળ્યા છે, જોકે શાંત ચરિત સ્વામી હજુ પણ લાપતા છે અને તેમને શોધવા માટે મોટે પાયે શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે.
કારમાં સવાર તમામ લોકો બોચાસણથી કાર લઈને BAPS મંદિરના દર્શનાર્થે સાળંગપુર જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં ગોધાવટા ગામના ચાર સ્થાનિક કે જે કારમાં સવાર હતા, તેમનો આબાદ બચાવ થયો હતો. વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
પ્રાથમિક દૃષ્ટિએ કોઝવે પર પાણીનો તેજ પ્રવાહ હોવા છતાં કાર પસાર કરવાનો પ્રયાસ કરવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું મનાય છે, જોકે આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા બચાવ અને રાહત કામગીરી પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ