ગાંધીનગર, 14 જુલાઈ (હિ.સ.) : રાજ્યમાં ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરેને ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને તકલીફ ન પડે તે માટે આ રોડ, રસ્તા અને પુલની સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંબંધિત વિભાગ અને અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યની કુલ ૧૭ મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડ-રસ્તાના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર અને જૂનાગઢ એમ ગુજરાતની જૂની આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે ૩૦૦ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે ૨૯૧ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ એક સપ્તાહમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ૪૧.૨૭ કિ.મીના રસ્તાઓ પર ડામરના પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્યની આ આઠ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧૪,૫૬૬ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧૪,૬૪૭ ખાડા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૧૪,૭૭૮ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૧૧,૪૬૦ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.
વધુમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મહેસાણા, નડિયાદ, આણંદ, નવસારી, વ્યાપી, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીધામ અને પોરબંદર એમ ગુજરાતની નવી નવ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા અંદાજે ૩૫૧ કિ.મી.ના લંબાઈ ધરાવતા બિસ્માર રોડમાંથી યુદ્ધના ધોરણે ૩૧૮ કિ.મી.થી વધુના રોડ-રસ્તાઓની મરામત કરવામાં આવી છે. જ્યારે બાકીના કામો પણ આગામી સમયમાં સત્વરે પૂર્ણ કરવામાં આવશે. આ ઉપરાંત કુલ ૦૬ કિ.મી.ના રસ્તાઓ પર ડામર પેચ વર્કના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.
રાજ્યની આ નવ મહાનગરપાલિકાઓના વિવિધ માર્ગો પર ૧,૬૩૦ જેટલા પોટહોલ્સ-ખાડા હતા જેમાંથી તાત્કાલિક ધોરણે ૧,૫૮૨ ખાડા સંપૂર્ણ રીતે પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પણ સત્વરે પૂરી દેવાની કામગીરી આગામી બે દિવસમાં પૂર્ણ કરાશે. આ મહાનગરપાલિકાઓમાં નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૬૪૬ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૫૬૩ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે.
આ ઉપરાંત રાજ્યની ભાવનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને અમદાવાદ એમ કુલ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં આવતા રસ્તાઓ પર કુલ ૨,૨૬૭ પોટહોલ્સ-ખાડા હતા તેમાંથી ૧,૮૧૪ જેટલા પૂરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકીના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે.
વધુમાં આ છ રીજ્યોનલ કમિશનર્સ ઓફ મ્યુનિસિપાલિટીઝ વિસ્તારમાં રહેતા નાગરિકો દ્વારા રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી મળેલી કુલ ૩૯૩ ફરિયાદોમાંથી તાત્કાલિક ધોરણે ૨૮૬ ફરિયાદોનો હકારાત્મક નિકાલ કરવામાં આવી છે. જ્યારે બાકીની ફરિયાદોનો પણ સત્વરે ઉકેલ કરવામાં આવશે તેમ, શહેરી વિકાસ વિભાગની યાદીમાં વધુમાં જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નાગરિકો મોબાઈલ, વોટ્સ અપ, વેબસાઈટ, હેલ્પલાઈન નંબર-ટોલફ્રી નંબર, સિવિક સેન્ટર, સ્માર્ટ સીટી એપ તેમજ મહાનગરપાલિકાઓના કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટર પર રોડ-રસ્તા, પોટહોલ્સ, ભૂવા-ખાડા અને વોટર લોગીંગ જેવી ફરિયાદો નોંધાવે છે જેનો સબંધિત વિભાગ-અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ