સુરત , 14 જુલાઈ (હિ.સ.)- સુરત કડોદરા રોડ, સારોલીમાં શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમાં ધંધો કરતા વેપારી પાસેથી 5.99 લાખનો ક્નીટેડ ગ્રે ફેબ્રીક્સ કાપડનો માલ ખરીદી વેપારી અને દલાલે ચુનો ચોપડ્યો છે.
મૂળ રાજસ્થાન, ઝુંઝુનના ભરૂંદા ગામના વતની અને હાલ સુરત શહેરમાં સીટીલાઈટ રોડ નવમંગલમ એપાર્ટમેન્ટમાં રહેતા 50 વર્ષીય રાકેશ રામવિલાસ અગ્રવાલ સારોલીમાં શ્યામ સંગીની ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે. રાકેશ અગ્રવાલને સારોલીમાં ભવાની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જયમાલા ક્રિએશન ફર્મના નામથી ધંધો કરતા પંકજકુમાર રવજી લીંબાસીયા (રહે,મારુતીનંદન રેસીડેન્સી, નનસાડ રોડ, કામરેજ) અને કાપડ દલાલ વીપીન વિજય શર્મા (ઉ.વ.37.રહે, માનસરોવર રેસીડેન્સી, ગોડાદરા)એ એકબીજાના મેળાપીપણામાં મિઠી મિઠી વાતો કરી શરુઆતમાં માલ ખરીદી તેનુ સમયસર પેમેન્ટ આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ અગાઉથી કરેલા કાવતરાના ભાગરૂપે ગત તારીખ 18 મે 2024 થી 30 ઓગસ્ટ 2024 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 5,99,623 ના મતાનો ક્નીટેડ ગ્રે ફેબ્રીક્સ કાપડનો માલ ખરીદ્યો હતો. જે પેમેન્ટની અવાર નવાર માંગણી કરવા છતાંયે નહી આપી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે