સુરત, 14 જુલાઈ (હિ.સ.)- સુરત શહેરમાં ટીઆરબીમાં ફરજ બજાવતા જવાને સોશિયલ મીડિયા ફેસબુક મારફતે બારડોલીની પૂર્વ લોક રક્ષક દળની યુવતી સાથે મિત્રતા કરી હતી. જોકે ત્યારબાદ તેને લગ્ન કરવાની લાલચ આપી અવારનવાર તેની સાથે શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને બાદમાં લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ભાટિયાના ખાતે શિવ શક્તિ સોસાયટીમાં રહેતો રોહન ઉર્ફે રોનીભાઈ રાણા સુરત શહેરમાં ટ્રાફિક પોલીસ ખાતામાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે.
ત્રણ વર્ષ પહેલા સોશિયલ મીડિયા મારફતે તે બારડોલી વિસ્તારમાં રહેતી અને લોકરક્ષક દળમાં ફરજ બજાવતી યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને રોહન ઉર્ફે રોનીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી. ત્યારબાદ ત્રણ વર્ષ સુધી અવારનવાર રોહને તેમને અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ તેમની સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે ત્યારબાદ લગ્ન કરવા માટે ઠાગાઠૈયા કરતા યુવતીએ તેને લગ્ન માટે વાત કરી હતી. પરંતુ બાદમાં રોહન ફરી ગયો હતો અને તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેથી ભોગ બનનાર યુવતીએ આ મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટીઆરબી જવાન રોહન ઉર્ફે રોની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે