સુરત , 14 જુલાઈ (હિ.સ.)- અમરોલી વિસ્તારમાં રહેતા બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને બે ઠગ બાજ ઈસમો પેઢી ગયા હતા. બંને ઈસમોએ બિલ્ડર પાસેથી રૂપિયા 24 લાખની ઓડી કાર તથા કોન્ટ્રાક્ટર પાસેથી છ લાખની ક્રેટા કાર ભાડા પર લીધી હતી. જોકે ત્યારબાદ બંને ઠગબાજ ઈસમોએ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને એક પણ રૂપિયો નહીં આપી બંને કાર પણ ચાઉં કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર બંનેએ અમરોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ સોસાયટીમાં રહેતા ધવલભાઇ ગોવિંદભાઈ વાવડીયા બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓની પાસે એક જીજે.5.જેએચ.2421 નંબરની રૂપિયા 24 લાખની ઓડી કંપનીની ક્યુ7 ગાડી હતી. આ દરમિયાન બારડોલી આકૃતિવિલામાં રહેતા અંકિત પરેશકુમાર શાહ અને વૈભવ દેસાઈ નામની બંને વ્યક્તિઓ ધવલભાઇના સંપર્કમાં આવી હતી. આ બંને વ્યક્તિઓએ તેમની ઓડી કારને દરરોજના રૂપિયા 7500ના ભાડાપટ્ટે ત્રણ મહિના માટે લીધી હતી. જોકે બાદમાં અંકિતે એક પણ રૂપિયો નહીં આપી કાર પણ ચાઉં કરી લીધી હતી. જેથી બાદમાં ધવલભાઇને પોતાને સાથે છેતરપિંડી થયા અને જાણ થતા તેઓએ ગતરોજ અમરોલી પોલીસ મથકમાં બંને સામે ફરિયાદ નોંધાવી છે.
બીજા બનાવવામાં અંકિત પરેશભાઈ શાહ અને વૈભવ દેસાઈએ ભેગા મળી અમરોલી સૃષ્ટિ રો હાઉસમાં જ રહેતા ભાવેશભાઈ કાળુભાઈ વાવડીયા ને પણ પોતાનો શિકાર બનાવ્યા હતા. ભાવેશભાઈ પાસે રહેલ જીજે.5.આરએ.2866 નંબરની હ્યુન્ડાઇ કંપનીની ક્રેટા કાર રૂપિયા 3500 દરરોજના ભાડાપટ્ટા ત્રણ મહિના માટે લીધી હતી. જોકે તેમને પણ એક પણ રૂપિયો ભાડું નહીં ચૂકવી અને રૂપિયા 6 લાખની કાર લઇ ચુનો ચોપડયો હતો. જેથી ભાવેશભાઈ અને ધવલભાઇએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અંકિત પરેશકુમાર શાહ (રહે આકૃતિવીલા બારડોલી અને વૈભવ દેસાઈ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે