ભુજ – કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) : કચ્છ કુદરતી આફતોની થપાટો ઝીલતો પ્રદેશ છે અને વાવાઝોડાથી માંડીને ઓછા વરસાદ સુધીની સમસ્યાઓ ભોગવી છે. હવેના સમય મુજબ તકનિકી સુવિધાઅ વધી છે અને મોટાભાગના લોકો સ્માર્ટફોનના યુઝર્સ છે ત્યારે હવામાન વિશેની જાણકારી આંગળીના ટેરવે મળી રહે તેવી એપ્લિકેશન ડાઉનલોડ કરવા અનુરોધ કરાયો છે.
સ્થાનિક ભાષામાં એલર્ટ મળે
વર્ષાઋતુને કુદરતી તથા માનવસર્જિત આપદાઓને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ, ભારત સરકાર દ્વારા GEO TARGETED MANNERમાં ‘સચેત એપ્લિકેશન’ તૈયાર કરવામાં આવી છે. જેથી અલગ અલગ સ્થાનિક ભાષામાં આફતો અંગેનું એલર્ટ મળે છે.
આગાહી ઉપરાંત ખેતી માટે ઉપયોગી
આ એપ્લિકેશન NDMAની વેબસાઈટ અને ગૂગલ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. આ મોબાઈલ એપ્લિકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે. કચ્છ જિલ્લાના ખેડૂતો, માછીમારો, ઔદ્યોગિક એકમો, આપદા મિત્રો, હોમગાર્ડ, એનસીસી કેડેટસ, સેવાભાવી સંસ્થાઓ, સિવિલ ડીફેન્સ વોલિન્ટરિયર્સ સહિત તમામ નાગરિકોને આ એપ્લિકેશન ડાઉનલોડ કરવા ડીઝાસ્ટર મેનેજમેન્ટ શાખા ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA