ભુજ - કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) કચ્છમાં વરસાદે પોરો ખાધા બાદ રસ્તા સમારકામનો સમય તંત્રને મળ્યો છે. ભુજ શહેરના વિવિધ રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. જોકે, વરસાદી વિરામ બાદ તરત માર્ગ અને મકાન વિભાગ રાજ્ય એ રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. કચ્છના મુખ્યમથક ભુજ શહેરમાં વિવિધ રસ્તાઓને રીપેરીંગ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
સ્મૃતિવન પાસેના ખાડાઓનું પેચવર્ક
ભુજ શહેરના પ્રવેશદ્વાર નળ સર્કલથી લઈને સ્મૃતિવન તેમજ એન્કર સર્કલ સુધીના રોડના ખાડાઓને ડામરથી પેચવર્ક કરવામાં આવ્યું હતું. વાહનચાલકોને કોઈ જ મુશ્કેલી ના પડે તે હેતુથી યુદ્ધના ધોરણે આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે રોડ રીપેરીંગ અને પેચવર્કની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
મેટલિંગ સહિતની કામગીરી કરાઇ
હાલમાં વરસાદથી પડેલા ખાડાઓને સાફ કરીને તેમાં મેટલિંગ વર્ક અને ડામર વર્ક કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, યોગ્ય લેવલિંગ થાય તે માટે રોલર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. યુદ્ધના ધોરણે રોડ રસ્તાઓ રિપેર થાય, વાહનચાલકોને કોઈ જ મુશ્કેલીના પડે તે ઉમદા અભિગમ સાથે રાજ્યનો માર્ગ અને મકાન વિભાગ કામ કરી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA