સુરત, 15 જુલાઈ (હિ.સ.)- સુરતના કતારગામ વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 19 વર્ષની ટ્યુશન શિક્ષિકા યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ, યુવતી કતારગામમાં પોતાની પ્રાઇવેટ ટ્યુશન ચલાવતી હતી અને છેલ્લા કેટલાક સમયથી એક યુવક દ્વારા બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસનો ભોગ બની રહી હતી.
આ ગંભીર ઘટનાની જાણ થતા જ સિંગણપોર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી યુવક યુવતીને અવારનવાર પરેશાન કરતો હતો અને તેને કોઇ મુદ્દે બ્લેકમેલ કરી માનસિક ત્રાસ આપી રહ્યો હતો, જેના કારણે તેણીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો.
હજુ સુધી આરોપી યુવકની ઓળખ થઈ નથી અને ના જ એ સ્પષ્ટ થયું છે કે બ્લેકમેલિંગના પાછળનું કારણ શું હતું. પોલીસે યુવતી દ્વારા કોઈ સુસાઈડ નોટ અથવા વીડિયો છોડી છે કે કેમ તે તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે