જામનગર, 17 જુલાઈ (હિ.સ.) : જામનગરમાં ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી ગર્ભવતી પત્નીને તેના પતિ દ્વારા માર મારવામાં આવતા ગર્ભમાં રહેલ બાળકનું મોત નિપજ્યું હતું. જેને લઇને અરેરાટી મચી ગઇ છે. શાક બળી જવા જેવી નજીવી બાબતે પતિ, પત્ની વચ્ચે ડખ્ખો થયા બાદ પતિએ ઉશ્કેરાઈ જઈ મહિલાને પેટના ભાગમાં ત્રણથી ચાર વાર સાવરણીના ઘા મારવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે મહિલા દ્વારા તેના પતિ વિરુદ્ધ શહેરના સીટી એ ડિવિઝનમા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ મામલે પતિ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.
મળતી માહિતી મુજબ, ગુલાબનગર વિસ્તારમાં આવેલ પ્રભાતનગરમાં રહેતા મનીષાબેન લક્ષ્મણભાઇ સોલંકી નામની 31 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે શાક બનાવ્યું હતું. જે શાક બળી જતા આરોપી લક્ષ્મણભાઇ સોમાભાઇ સોલંકી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. જે મામલે ડખ્ખો કર્યો હતો. વાત વાતમાં મામલો બિચકયો હતો અને આરોપીએ પોતાની પત્નીને ઢીકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહિ માથાના ભાગે શાકનુ તપેલુ મારી લીધું હતું.
બાદમા સાવરણી લઇને પત્નીના પેટ ઉપર ગર્ભના ભાગે સાવરણીના બે-ત્રણ ઘા મારી તેણીને ધક્કો માર્યો હતો. આથી પરિણીતા નીચે પટકાઈ પડ્યા હતા. આરોપી પતિએ કહ્યું હતું કે તારા પેટમાં છોકરું છે તે ભલે મરી જાય અને તું પણ મરી જા... તેમાં કહી ધકો મારી બીજી વાર નીચે પછાડી દીધી હતી. જેને લઇને મહિલાની અર્ધબેભાન હાલત થઈ ગઈ હતી. માર બાદ મહિલાને પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો.
ત્યારબાદ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી. જયા દવા બાદ જામનગર સરકારી દવાખાને ડોક્ટરે દવા આપી રજા આપી દીધી હતી. જોકે આરોપી પતિએ કહેલ કે તને અને તારા પેટમાં રહેલ બાળકને જોઈતુ નથી. ગુલાબનગર રોડ ઉપરથી એક ઇકોમાં બેસાડી રાજકોટ માવતરે જતા રહેવાનુ કહી કારમાં બેસાડી દીધી હતી.
મહિલા રાજકોટ પહોચ્યાં બાદ જનાના હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરતા મહિલાના ગર્ભમાં રહેલ પાંચ માસના બાળકનું મોત નીપજયાનું ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જેને લઇને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
સીટી એ ડિવિઝન પોલીસે મનીષાબેનની ફરિયાદના આધારે આરોપી લક્ષ્મણભાઇ સોમાભાઇ સોલંકી સામે ભારતીય ન્યાય સંહીતા ની કલમ-92,115(2) મુજબ ગુન્હો નોંધી તપાસ તેજ બનાવી છે. હાલ આ પ્રકરણની સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ વી.આર.ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ