સુરત, 15 જુલાઈ (હિ.સ.)-શહેર ભાજપ અધ્યક્ષ પરેશ પટેલે પોતાના 61મા જન્મદિવસના પૂર્વદિને નવી સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓ, બાળદર્દીઓને પોષણકીટ, વિવિધ સાધન સહાય અર્પણ કરી હતી. જેમાં પટેલ પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દાખલ બાળદર્દીઓને રમકડા, મચ્છરદાની, ખજૂરગોળની કીટ, ગાઉન, ટી.બી. કીટ, કેન્સર, હેમોફીલિયા ફેક્ટર, ફેશિયલ પાલ્સીથી પીડિત બાળકો તેમજ સફાઈ કામદારોને 651 છત્રીઓની ભેટ અર્પણ કરવામાં આવી હતી. વ્યારા અને અમદાવાદની બે દિવ્યાંગ મહિલાઓને ઈ-ટ્રાઈસિકલની ભેટ આપી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય પ્રેરિત જળસંચય-જળસંરક્ષણ જાગૃતિ માટે ‘કેચ ધ રેઈન’, ‘જલ હૈ તો કલ હૈ’ ‘પાણી બચાવો, જીવન બચાવો’ના સૂત્રો સાથેની છત્રીઓનું વિતરણ કરીને જળસંચયનો સંદેશ આપવામાં આવ્યો હતો.
પરેશ પટેલે જણાવ્યું હતું કે, જળસંચયના સૂત્રો સાથેની છત્રીઓ વિતરણ કરવાનો ઉદ્દેશ લોકો જળસંચય માટે પ્રતિબદ્ધ થાય એવો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2021થી શરૂ થયેલા ભારતવર્ષમાં ‘કેચ ધ રેન’ અભિયાન અંતર્ગત કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં દેશમાં 32 લાખથી વધુ વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ સ્થાપિત કરાયા છે. આ પહેલ દ્વારા વરસાદી બહાર વહેતું પાણી ભૂગર્ભમાં સંગ્રહિત થશે, જેના પરિણામે પાણીના સ્તર ઉંચા આવશે અને ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ થશે.
આ પ્રસંગે નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું કે, સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને નગરસેવક પરેશભાઈ પટેલ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. તેઓ કોરોના કાળમાં નવી સિવિલના દર્દીઓને સતત મદદરૂપ થયા હતા. છેલ્લા છ વર્ષથી પરેશભાઈ નવી સિવિલમાં બિનવાસી મૃતકોને કફન ઉપલબ્ધ કરાવવાનું અવિરત કરી રહ્યા છે. પરેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની રોમાબેન પટેલ બંન્ને પોતાના જન્મદિવસ સિવિલના દર્દીઓ સાથે ઉજવે છે, જે અન્યો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.
આ પ્રસંગે મેડિકલ કોલેજ ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, તબીબી અધિક્ષક ડૉ.ધારિત્રી પરમાર, મેડિકલ ફેકલ્ટી ડીન ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ, આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ટી. બી. ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, રોમાબેન પરેશભાઈ પટેલ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટસ, સામાજિક અગ્રણીઓ, પરેશભાઈના પરિવારજનો, તબીબો અને નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે