ગાંધીનગર, 15 જુલાઈ (હિ.સ.) : ઉત્તરપ્રદેશ વિધાન પરિષદની પાર્લામેન્ટરી સ્ટડીઝ કમિટીના ચેરમેન સુરેન્દ્ર ચૌધરી અને કમિટી મેમ્બર કિરણપાલ કશ્યપ સહિત પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ચેરમેન અને કમિટી મેમ્બરનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભામાં કરવામાં આવતી સમગ્ર કામગીરી તેમજ ધારાસભ્યઓને અપાતી સુવિધાઓ અંગે ઉત્તરપ્રદેશના પ્રતિનિધિ મંડળને વિગતવાર માહિતી આપી હતી.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહ એ વાદ-વિવાદ નહીં પરંતુ સંવાદનું પ્લેટફોર્મ છે, જ્યાં પક્ષ અને વિપક્ષ સંવાદ થકી પ્રજાના પ્રશ્નો પર ચર્ચા કરીને નિરાકરણ લાવે છે. અધ્યક્ષએ ગુજરાત વિધાનસભા વિશે માહિતી આપતા કહ્યું કે, વિધાનસભામાં NeVA થકી નવી પેપરલેસ વ્યવસ્થા, બજેટની ડિમાન્ડમાં ધારાસભ્યઓને પ્રાથમિકતા જેવા કેટલાક નવા સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, વિધાનસભા દ્વારા ધારાસભ્યઓ તેમજ અધિકારી-કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે.
ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન ગુજરાત વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડયાએ વિધાનસભાગૃહમાં મંત્રીઓ-ધારાસભ્યઓની બેઠક વ્યવસ્થા, પ્રેસ ગેલેરી, વીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા, પેપરલેસ કામગીરીના ભાગરૂપે વિધાનસભામાં અમલી NeVA સેવા કેન્દ્ર સહિતની કામગીરી અંગે ઉત્તરપ્રદેશ વિધાન પરિષદના ચેરમેન સહિત પ્રતિનિધિ મંડળને માહિતગાર કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ