સુરત, 15 જુલાઈ (હિ.સ.)- શહેરના ઉતરાણ વિસ્તારમાં રહેતા હીરાના વેપારીને ત્રણ ઠગ બાજ ઇસમો ભેટી ગયા હતા. ત્રણેય ભેગા મળી વેપારી પાસેથી રૂપિયા 31.66 લાખના હીરા ખરીદી કરી તેના પૈસા નહીં ચૂકવી અડધી કીમતમાં હીરા બારોબાર માત્ર અડધા ભાવમાં વેચાણ કરી પૈસા ચાઉં કરી લીધા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ વરાછા પોલીસ મથકમાં ત્રણેય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે રૂપિયા 17લાખની છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે ઉતરાણ વિસ્તારમાં શિવાલિક પેલેસ ની પાછળ વીઆઈપી સર્કલ પાસે આવેલ પાર્ક એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ પુનાભાઈ ચોવટીયા હીરાના મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે. તેઓ વર્ષ 2024માં અક્ષરભાઇ ભુપતભાઇ લાખાણી (રહે- સીબિલ્ડીંગ રાધીકા રેસીડેન્સી, વરીયાવ, સુરત), આનંદભાઇ વાણીયા અને કેવલભાઇ ઘનશ્યામભાઇ બરવાળીયા (રહે- ઘર.નં-ઈ/102 સંસ્ક્રુતી રેસીડેન્સી મોટાવરાછા ઉત્રાણ સુરત) ના સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓએ ભેગા મળી રાજેશભાઈ પાસેથી તારીખ 19/9/2024બાદ કુલ રૂપિયા 31.66 લાખની કિંમતના 894.21 કેરેટ હીરાની ખરીદી કરી હતી. આ પૈસા ટૂંક સમયમાં ચૂકવી આપવાનો વાયદો આપી હીરા મેળવી લીધા હતા અને બાદમાં આ હીરા બારોબાર અડધી કિંમતે મગનભાઈ રાણપરીયા અને વેચીને રોકડા રૂપિયા 17 લાખ મેળવી લીધા હતા. જેથી બાદમાં રાજેશભાઈને પૈસા ને ઉઘરાણી કરતા ત્રણેય વ્યક્તિઓએ એક પણ રૂપિયો નહીં આપી અને હીરા પણ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર રાજેશભાઈએ આ મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે