પાટણ, 15 જુલાઈ (હિ.સ.) પાટણ જિલ્લામાં ગુજરાત સરકારની અકસ્માત જૂથ વીમા યોજના હેઠળ અરજદારોને ખેતીની જમીનના પ્રમાણપત્રને લગતી વિસંગતતા કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમારે આ મુદ્દે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત સમક્ષ રજૂઆત કરી છે.
શ્રમ વિભાગના ઠરાવ મુજબ અરજદારે પરિશિષ્ટ-5ના નિયત નમૂનામાં એવું પ્રમાણપત્ર રજૂ કરવું હોય છે કે તેઓ વારસાઈ હક્કથી ખેતીની જમીન ધરાવતા નથી કે ભવિષ્યમાં મેળવવાપાત્ર નથી. પરંતુ પાટણ જિલ્લાની મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રો દ્વારા નિયત નમૂનાના બદલે અલગ પ્રકારના પ્રમાણપત્રો આપવામાં આવે છે, જેના કારણે વીમા ક્લેમ સમયસર મંજૂર થતાં નથી. હાલમાં આશરે 15 જેટલા કેસ પેન્ડિંગ હાલતમાં છે.
નરેશભાઈ પરમારએ કલેક્ટર અને સરકારી શ્રમ અધિકારી પાટણને પણ રજૂઆત કરી છે. તેમની માગ છે કે જરૂરી દિશા-નિર્દેશો આપીને મામલતદાર કચેરીઓ દ્વારા નિર્ધારિત નમૂનામાં પ્રમાણપત્રો આપવામાં આવે, જેથી યોજનાનો લાભ યોગ્ય સમયે જરૂરિયાતમંદોને મળી શકે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર