ગીર સોમનાથ, 15 જુલાઈ (હિ.સ.) જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીને વિવિધ કામોથી અવગત કરાવ્યા હતાં તેમજ મંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસલક્ષી કામો અંતર્ગત ૧૫% વિવેકાધિન (તાલુકા કક્ષા)ના રૂ. ૬૬૨.૫૫ લાખના ૨૪૫ કામો, ૫% પ્રોત્સાહક યોજના હેઠળના રૂ. ૧૦ લાખના ૩ કામો, ખાસ પ્લાન યોજના હેઠળના રૂ.૨૫ લાખની રકમના ૫ કામો તેમજ નગરપાલિકા વિવેકાધિન યોજના હેઠળના રૂ. ૭૭ લાખના ૧૦ કામો મળી કુલ રૂ.૭૭૪.૫૫ લાખના ૨૬૩ કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.
પ્રભારી મંત્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ ગ્રાન્ટ અને જોગવાઈઓ હેઠળ અગાઉ મંજૂર થયેલ પૈકી પ્રગતિ હેઠળના કામો અને શરૂ ન થયેલા કામો સત્વરે પૂર્ણ થાય તે અંગે સૂચન કર્યું હતું.
મંત્રીએ આયોજન મંડળની બેઠકમાં જિલ્લા કક્ષાનું આયોજન રજૂ થાય તેમજ ગ્રામ્યકક્ષાના સંતુલિત વિકાસ માટે વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય એવા હેતુસર વિલેજ પ્રોફાઇલ આધારિત અહેવાલનો અભ્યાસ કરી અને આયોજનને લક્ષ્યમાં લેવા માટે ખાસ ભાર આપ્યો હતો.
ઉપસ્થિત સર્વે જનપ્રતિનિધિશ્રીઓએ મંજૂર થયેલા અને પ્રગતિ હેઠળના વિવિધ નાગરિકલક્ષી કામો પરત્વે સૂચનો કર્યા હતાં. જેને લક્ષમાં લઈ અને આયોજન અંતર્ગતના કામોમાં ત્વરિતતા દાખવી અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા કલેક્ટરએ અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આયોજન અધિકારી જે.સી.ઠાકોરે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કામફેર, હેતુફેર કરવામાં આવેલા કામોને બહાલી આપવા, વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ હેઠળ નવી દરખાસ્તો મંજૂર કરવા, ૧૫% વિવેકાધીન જોગવાઈ (જિલ્લા તથા તાલુકા કક્ષા), ૧૫% વિવેકાધીન જોગવાઈ અ.જા.પે.યો (તાલુકા કક્ષા), ૫% પ્રોત્સાહક, ખાસ પ્લાન યોજના, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગતના કોડીનાર, વેરાવળ, ઉના, સૂત્રાપાડા, તાલાળા અને ગીરગઢડા વિસ્તારના વિવિધ કામો અંગે માહિતગાર કર્યા હતાં.
કલેક્ટર એન.વી.ઉપાધ્યાયે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓના સુનિયોજીત સંકલનથી નાગરિકલક્ષી કામોને અગ્રતા આપી પૂર્ણ કરવા તેમજ શરૂ ન કરાયેલા કામો અંગે ગંભીરતા દાખવી ત્વરિત કામગીરી શરૂ કરી અને પ્રગતિ હેઠળના કામો સત્વરે પૂર્ણ કરવા, ગ્રામ પંચાયતોને ફાળવેલી ગ્રાન્ટના વપરાશ, રિવાઈઝ કરવાના થતાં કામો સહિતના મુદ્દાઓ પરત્વે માર્ગદર્શન આપ્યું હતું તેમજ જળસિંચન પ્રત્યે જાગૃતી દાખવી જળસિંચનના કાર્યોમાં સહભાગીદારી દાખવવા જનપ્રતિનિધિઓ સહિત ઉપસ્થિત સર્વેને આહ્વાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આયોજન અંતર્ગતના વિકાસલક્ષી કામોમાં સી.સી.રોડ, પેવર બ્લોક, કૉઝ-વેના કામો, બોર-મોટરના કામ, અવેડાના કામ, કમ્પાઉન્ડ વૉલ, ટોઈલેટ બ્લોક, પ્રોટેક્શન વોલનું કામ, મધ્યાહ્નભોજન શેડ, પેટા આરોગ્ય કેન્દ્ર માટે મકાન, ચેકડેમ કમ કૉઝવે, નાળા-પુલિયાના કામ સહિત આરોગ્ય, પાણી પુરવઠા, પ્રાથમિક શિક્ષણ, ભૂમિ સંરક્ષણ, ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુવિધા, સ્થાનિક વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, કાળુભાઈ રાઠોડ, વિમલભાઈ ચુડાસમા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોષી, નગરપાલિકા ચીફ ઓફિસર તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ