ગીર સોમનાથ 15 જુલાઈ (હિ.સ.) મતદાન મથકોના પુનર્ગઠન સબબ સુધારા/વધારા ફેરબદલી જેવી પ્રક્રિયા હાથ ધરવા માટે ચૂંટણી પંચે માપદંડ નક્કી કર્યાં છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે એક બેઠક યોજાઈ હતી.
મતદાન મથક પુનર્ગઠન પ્રાથમિક દરખાસ્ત અંગે સૂચનાઓ અન્વયે ધારાસભ્યઓ તથા રાજકીય પક્ષના જનપ્રતિનિધિઓની સલાહ-સૂચનો મેળવવા અંગે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જેમિની ગઢિયા દ્વારા ચૂંટણી પંચની નવી ગાઈડલાઈન અનુસાર ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર માટે ૧૨૦૦ મતદારોને ધ્યાને લઈને મતદાન મથકોના પુનર્ગઠનની માહિતી આપવામાં આવી હતી.
આ બેઠકમાં ચૂંટણી અંતર્ગત ૯૦-સોમનાથ, ૯૧-તાલાલા, ૯૨-કોડીનાર, ૯૩-ઉનામાં નવા ઉમેરાયેલા તેમજ સ્થળફેર કર્યા વગરના મતદાન મથકો વિશેની ચર્ચા કરવામાં આવી હતી.
કલેક્ટરએ સ્થળફેર, જર્જરિત થયેલ બિલ્ડિંગમાંથી મતદાન મથકનું સ્થળાંતર વગેરે પરિસ્થિતિઓને લક્ષમાં લઈ અને પક્ષ પ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા સૂચનો ધ્યાનમાં લઈ અને નિરાકરણ લાવવા માર્ગદર્શિત કર્યા હતાં.
વધુમાં કલેક્ટરએ મતદારોને ઓછામાં ઓછી તકલીફ પડે એ રીતનું આયોજન ગોઠવવા માટે ઉપસ્થિત સર્વે અધિકારીઓને સૂચન કર્યા હતાં.
આ બેઠકમાં સર્વે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રદ્યુમનભાઈ વાજા, કાળુભાઈ રાઠોડ, વિમલભાઈ ચુડાસમા, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ રાઠોડ, કે.આર.પરમાર, નાયબ કલેક્ટર એફ.જે.માકડા, પુરવઠા અધિકારી પારસ વાંદા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ