જૂનાગઢ 15 જુલાઈ (હિ.સ.) માણાવદરના સણોસરા ગામના ખેડૂત શ્રી નયનભાઈ બાથાણીએ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે નમૂનેદાર કાર્ય કર્યુ છે. વર્ષ ૨૦૧૬ થી પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી પદ્ધતિ અપનાવી નયનભાઈ બાથાણી પોતાની ૩૫ વીઘા જમીનમાં હળદર, મગફળી અને તુવેરનો વાવેતર કરી રહ્યાં છે. નયનભાઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરીને, ગાયના ખાતર અને પ્રાકૃતિક ખેતી અપનાવતા જમીનની ઉત્પાદકતા વધારવા સાથે સાથે ઉત્પાદનોની ગુણવત્તા અને મૂલ્ય પણ વધ્યું છે. ગાય આધારિત ખેતી પદ્ધતિથી ન માત્ર ખેતીનો ખર્ચ ઓછો થયો છે, પરંતુ પર્યાવરણીય લાભ પણ મળી રહ્યો છે.
નયનભાઈ ૧૫ વીઘમાં હળદર અને ૧૫ વીઘામાં તુવેર, મગફળીનું વાવેતર કરી રહ્યા છે. નયનભાઈ જણાવે છે કે તેઓએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પકવેલી મગફળીનું ધાણીમાં તેલ જાતે જ કાઢે છે. અને તેનું વેચાણ પણ સ્થાનિક જ કરે છે. હળદરનું વાવેતર પછી સુકવણી પાવડર તૈયાર કરવાનું કામ અહીં ખેતરે જ થાય છે. માણાવદરના ગામડે ગામડે તેઓ હળદર પહોંચાડે છે .હળદરની ખેતીમાં તેમણે એક વીઘાએ ૮૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ સુધીનો નફો મેળવી રહ્યા છે.
તેમણે જણાવ્યું હતું વર્ષ ૨૦૧૫ માં લાલજી કે. સાવલિયા ની લિખિત ગૈા આધારિત કૃષિ પુસ્તક વાંચ્યું હતું. આ પુસ્તકને વાંચવાથી મને પ્રાકૃતિક કૃષિ કરવાની પ્રેરણા મળી હતી. ત્યાર થી નક્કી કર્યું કે ધરતી માતાને ઝેર નથી આપવુ. તેમણે સૌપ્રથમ હળદરનું વાવેતર કર્યું હતું. તેમણે કહ્યું કે રાસાયણિક દવા ખાતર જમીનનો નાશ કરે છે. એ ખેડૂતોને સમજવું જરૂરી છે. તેમના પત્ની પણ સખીમંડળ ગ્રુપમાં જોડાયેલા છે. તે ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતિ માટે પ્રયાસો કરી રહ્યા છે. હાલ તેમના દીકરા માણાવદર ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોનું વેચાણ કરી રહ્યા છે.આ ઉપરાંત નયનભાઈ દ્વારકેશ પ્રાકૃતિક ફાર્મ નામની યુટયુબ ચેનલ પણ ચલાવે છે જેના માધ્યમથી તેઓએ અપનાવેલા પ્રાકૃતિક કૃષિના પ્રયોગો અન્ય ખેડૂતો અપનાવે એ માટે કાર્યરત રહે છે.
નયનભાઈ એ પ્રાકૃતિક કૃષિના અનુભવો જણાવતા કહ્યુ હતુ કે, લાંબા ગાળે જમીનમાં અને આવકમાં ચોક્કસ ફેર પડે છે. ખેડૂતોને આજે નહિ તો પાંચ વર્ષ પછી પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે.નયનભાઈ એ બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની સહાય પણ લીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ