ગીર સોમનાથ 15 જુલાઈ (હિ.સ.) રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશાનિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. આજે રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ એ સ્થળ મુલાકાત લઈ નિરીક્ષણ કરીને સંબંધિતોને કામો સત્વરે પૂરા કરવા સૂચનાઓ આપી હતી.મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાલી રહેલા માર્ગ દુરસ્તીકરણ અભિયાનની સંબંધિત જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ દ્વારા મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને ખાડા રિપેર કરવાના કામ ત્વરિત આટોપવા સૂચના આપવામાં આવી છે.
વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા અને ડીડીઓ શ્રીમતી મમતા હિરપરાએ ડભોઇ તાલુકામાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કર્યું હતું અને પૂલની સલામતી ચકાસી હતી.
છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરસંગ, મેરીયા, ભારજ નદી પર આવેલા પુલ અને રસ્તાઓને નુકશાન પહોંચ્યું છે. ભારજ નદી પરનો સુખી ડેમ પુલ, મેરીયા નદી પરનો જબુગામ-ચાચક પુલ અને ઓરસંગ નદી પરના બોડેલી-મોડાસર પુલની જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું.
જિલ્લા કલેક્ટર અજય દહિયાએ GSRDCના સબંધિત અધિકારીશ્રીઓ સાથે હાલોલ, ગોધરા, શામળાજી હાઇવે પર ગોધરા બાયપાસ ગદુકપુર ચોકડી નજીક ક્ષતિગ્રસ્ત થયેલ રોડની મુલાકાત લઈ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે, ત્યારે આણંદ જિલ્લા કલેકટર અને આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરી અને આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપના એ આજે, આણંદ ભાલેજ રોડ ઈસ્માઈલનગર સ્થિત ઓવરબ્રિજ અને ગણેશ ચોકડી રાજોડપુરા સ્થિત ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નડિયાદમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ નગરમાં ચાલી રહેલા કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા એન.એચ.-૪૮ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી અને બ્રિજના એક્ષ્પાન્શન જોઈન્ટની સમારકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્રિજ રિપેરિંગની કામગીરીના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, ત્યારે આ રૂટ પરના ટ્રાફિકને વડોદરા મુંબઈ હાઈવેના કિમ ચાર રસ્તાથી એના સુધીના સેક્શન પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જે સંદર્ભે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વાહનવ્યવહાર સરળ બને અને વાહનચાલકોને મુશ્કેલી ન પડે એ બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચના આપી હતી.
સુરતના સાઉથ વેસ્ટ ઝોનમાં પીપલોદ સ્થિત ચાંદની ચોક ખાતે રોડ રિપેરિંગ કામગીરીનું મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થળ વિઝિટ કરી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ રોડ મરામતની કામગીરી ગુણવત્તા, સમયસર પૂર્ણતા અને જનહિતને ધ્યાનમાં લઈને કામ પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને વરસાદના પગલે જે સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા છે, તે વિસ્તારોમાં તાત્કાલિક કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી.
ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ આમોદ- જંબુસર રોડ પર આવેલા ઢાઢર નદી ઉપર બનેલા પુલની મુલાકાત લીધી હતી. કલેક્ટરએ પુલ વર્તમાન સ્થિતિ અંગે વિગતે જાણકારી મેળવી હતી.
નવસારી મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરીએ આજે નવસારી મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક ક્ષતિગ્રસ્ત થયેલા રોડની મુલાકાત લઇ કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વરા ક્ષતિગ્રસ્ત રસ્તાની જાણકારી ૮૭૯૯૨ ૨૩૦૪૬ પર મળતા મહાનગરપાલિકા રોડ વિભાગ દ્વારા તાત્કાલિક સમારકામની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે શહેરના રુસ્તમ વાડી, રીંગ રોડ તથા લુન્સીકુઇ વિસ્તાર, ગણદેવી ઇટાળવા રોડ પર ક્ષતિગ્રસ્ત રોડના પેચવર્ક અને સમારકામની કામગીરીનું કમિશનર દેવ ચૌધરી દ્વારા સ્થળ પર વિઝીટ કરીને ગુણવત્તાવર્ધક કામગીરીઓ માટે સ્થળ પર હાજર ઈજનેર તથા કર્મચારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સતીશ મોદી, માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી ઇજનેર સહિતની ટીમ દ્વારા રાજપીપલા-મોવી રોડ પર કરજણ નદીના બ્રીજની સ્થળ મુલાકાત કરી કરજણ બ્રિજ નીચેના ભાગે તેમજ પુલ ઉપર અને સાઈડમાં ઉતરીને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. કલેક્ટરએ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીને દુરવાણીથી જરૂરી સૂચના આપી હતી સાથે કાર્યપાલક ઇજનેરને જરૂરી સૂચના આપીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ તકેદારીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના તમામ બ્રિજની ચકાસણી કરવામાં આવી છે. ઇન્સ્પેક્શન બાદ નેશનલ હાઇવે પર આવેલા ધોરાજી- જામકંડોરણા રોડ પરના ભાદર બ્રિજ, માર્ગ અને મકાન હસ્તકના જામકંડોરણા-ખારચિયા રોડ પરનો માઇનોર બ્રિજ, ઉપલેટા-કોલકી-પાનેલી રોડ પરનો મેજર બ્રિજ તેમજ સુપેડી- જામટીંબડી બ્રિજને ભારે તથા ઓવરલોડેડ વાહનો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વિવિધ સ્થળ પર હાજર રહી કામગીરીનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. રાજકોટના વોર્ડ નંબર ૧૧ના મોટા મવા વિસ્તારમાં અમરનાથ પાર્ક, ઓમનગર, સત્યમ પાર્ક, તુલસી હાઈટ્સ, સરિતા વિહાર સોસાયટીમાં રોડ પર કાદવ કીચડ દૂર કરી મોરમ નાખી મેટલીંગ કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જયારે બીજા રીંગ રોડથી જોડાયેલા વિસ્તારોમાં વીર વીરુ તળાવ પાસે તેમજ વર્ધમાન નગરમાં રોડ સમથળ કરવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે પરસાણા ચોકથી એન્જિનીયરિંગ કોલેજ તરફ કણકોટ તરફ જતા ૨૪ મીટરના રોડને વાહન ચાલકો માટે સુગમ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી. એન. મોદીએ ટીમને સાથે રાખીને શહેરના તમામ બ્રીજની સર્વેની કામગીરી હાથ ધરી છે. કમિશ્નરશ્રીએ પ્રોજેકટ એન્ડ પ્લાનિંગ, સીવીલ શાખા, ભૂગર્ભ ગટર શાખા, વોટર વર્કસ શાખાને સૂચના આપી હતી. કમિશ્નરએ જામનગ૨ શહે૨ને જોડતા દરેક એન્ટ્રી પોઈન્ટના બ્રીજનું સર્વેક્ષણ હાથ ધર્યું હતું. જેમાં ગુલાબનગર, સુભાષબ્રીજ, નવનાલા બ્રીજ, રેલ્વે ઓવર બ્રીજ તથા ધુંવાવથી ખીજડીયા બાયપાસ રૂટ ઉપરના રીવર બ્રીજનું નિરીક્ષણ કરીને માઈનોર રીપેરીંગની જરૂરિયાત મુજબ સૂચના આપી હતી. તેઓએ રૂબરૂમાં જઈ શહે૨ના મુખ્ય અને આંતરિક ૨સ્તાઓનું ચેકિંગ કરી લગત વિભાગોને રીપેરીંગ, પેચવર્ક માટે, વેટમીક્ષ, હોટમીક્ષ પ્લાન્ટથી ડામર પેચવર્ક તથા કોલ્ડમીક્ષ, જેટ પેચીંગ ઈમક્શન પધ્ધતિથી ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આજરોજ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ કમિશનર મેહુલ દેસાઈએ ગાંધીધામ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ રોડ રસ્તાઓના કામોની મુલાકાત લઈને જાત નિરીક્ષણ કર્યું હતું. રોડ રસ્તાઓના રિપેરિંગ તેમજ પેવર બ્લોક્સ વગેરેના કામો ગુણવત્તાયુક્ત રીતે થાય તે બાબત ઉપર કમિશનરશ્રીએ ભાર મૂક્યો હતો. ગાંધીધામ મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં ચાલી રહેલા રોડ રસ્તાઓના કામ તેમજ મરામતની કામગીરીની મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરએ જિલ્લાના મુખ્ય પુલોનું સઘન નિરીક્ષણ કરી જરૂરી સુચનો આપ્યા હતા. આ ઉપરાંત માર્ગ સલામતી સુનિશ્ચિત કરવા અને ભવિષ્યમાં કોઈપણ અકસ્માત કે દુર્ઘટનાને ટાળવા માટે ગાંધીનગર માર્ગ અને મકાન વિભાગની ડિઝાઇન ટીમ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરી વિવિધ પુલો તથા સ્ટ્રક્ચરોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ ટીમે સુરેન્દ્રનગર -દુધરેજ-વણા-માલવણ- પાટડી- દસાડા -બેચરાજી રોડ (SH 19) પર આવેલા બજાણા મેજર બ્રિજ, પાટડી -બ્રિજ, વણા મેજર બ્રિજ, ફુલ્કી -પાટડી-ખારાઘોડા-ઓડું રોડ, લખતર-શિયાણી-લીંબડી રોડ પર તલવાણી બ્રિજની મુલાકાત કરી પુલની સ્થિરતા, સપોર્ટિંગ સ્ટ્રક્ચર, પિયર્સ, ક્રેક ચેકિંગ, જમીન ધોવાણ તથા પાણીની પસાર થતી જગ્યા (ક્લિઅરન્સ)ના આધારે ફિઝિકલ ચકાસણી, પુલની મજબૂતાઈ, માળખાકીય મજબૂતી અને સુરક્ષા ધોરણોની ચકાસણી કરવામાં આવી રહી છે.
મોરબી કલેકટર કિરણ ઝવેરીએ ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને નાયબ મ્યુનિસિપલ કમિશનર સોની સાથે ગત તા. ૯ જુલાઈ ૨૦૨૫ના મોરબીના નટરાજ ફાટક, વીશીપરા, રોહિદાસપરા, આંબેડકર નગર, પંચાસર રોડ, નાની કેનાલ રોડ, આલાપ પાર્ક વિ. સ્થળોની મુલાકાત લીધી અને રોડ તથા પાણીના પ્રશ્નો જાણ્યા અને ત્વરિત નિરાકરણ માટેના સૂચનો કર્યા. મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ તા.૭ના રોજ મોરબીના ઝોન ચારની મુલાકાત લઈને રોડ રસ્તાની મરામત, ગટરની સફાઈ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન વગેરેની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઝોન ચારમાં સમાવેશ વિદ્યુત નગર, રચના સોસાયટી, ગોપાલ સોસાયટી, અરુણોદય નગર, નિત્યાનંદ રોડ, શિવમ પાર્ક વગેરેની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ આજે જિલ્લાના વિવિધ બ્રિજોની મુલાકાત લીધી હતી જેમાં (૧) જામનગર-લાલપુર-પોરબંદર રોડ પર માઈનોર બ્રીજ (૨) કલ્યાણપુર-ચુર-ભાડથર રોડ પર આવેલ માઈનોર બ્રીજ (૩) બેહ-વડત્રા રોડ પર આવેલ માઈનોર બ્રીજનો સમાવેશ થાય છે.
જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય અને મહાનગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત બનેલ રસ્તાઓના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ છે. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં માર્ગ મકાન વિભાગ રાજ્ય દ્વારા રસ્તા રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમાર અને ટેકનિકલ સ્ટાફ સાથે વોર્ડ નંબર ૭ અને ૧૦ માં આવેલ જર્જરિત મકાનો ,ભવનાથ વિસ્તારમાં અસરગ્રસ્ત રસ્તાઓનું નિરીક્ષણ આજે રાત્રે શરૂ કરશે.
પોરબંદર મહાનગર વિસ્તારના રસ્તા અને ગટરના કામો અંગે આજે કમિશનર શ્રી એચ જે પ્રજાપતિએ ટેકનિકલ સ્ટાફ અને સંસાધનો સાથે રાજીવનગરમાં કામગીરી શરૂ કરાવી નિરીક્ષણ કર્યું હતું. પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા અસરગ્રસ્ત સોળ રસ્તામાંથી ૧૦ રસ્તા ની કામગીરી પૂર્ણ થઈ છે. રાણાવાવ વિસ્તારમાં આજે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી.
પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશો અનુસાર ભાવનગર મ્યુનિસિપલ કમિશનર ડૉ.એન.કે.મીણાએ આજે ભાવનગર મહાનગરપાલિકાના કાર્યક્ષેત્ર હસ્તક આવેલ કુંભારવાડા અંડર બ્રીજ, ઘોઘા સર્કલ અને રૂવા રવેચી ધામ-મંત્રેશ સર્કલની મુલાકાત લઈ પુલોનું સમારકામ અને માર્ગોની સ્થળ વિઝીટ કરી ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
આજે બોટાદ જિલ્લા કલેકટર ડો. જીન્સી રોયે બોટાદ તાલુકાના પુલોનું સબંધિત વિભાગની ટેક્નિકલ ટીમ સાથે મુલાકાત લીધી હતી, તેમજ જરૂર જણાયે પુલોના સમારકામ,પુનઃનિર્માણ માટે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ પાળીયાદ ગોમા નદી પરનો પુલ,રાણપુર સુભાદર નદી પરનો પુલ, કેરીયા ઢાળ પાસેના પુલની મુલાકાત લીધી હતી.
અમરેલી કેરિયાચાડ રોડ પરના વિઠ્ઠલપુર ખંભાળિયા ગામ પાસે શત્રુંજી નદી પરના ૧૪૦ મીટર લાંબા અને ૮ મીટર પહોળા કેરિયાચાડ મેજર બ્રિજનું નિરિક્ષણ અમરેલી જિલ્લા માર્ગ અને મકાન પંચાયતના કાર્યપાલક ઇજનેર સ્મિત ચૌધરીએ કર્યું હતુ. કલેકટર વિકલ્પ ભારદ્વાજના માર્ગદર્શન અને સુચના મુજબ જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગ અને બ્રિજના સમારકામની કામગીરી તંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયે તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વિવિધ પુલની મુલાકાત લઈને પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતની ચકાસણી કરવા માટે માર્ગ મકાન વિભાગના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી. જે અંતર્ગત આજરોજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હેઠળના કોડીનાર તાલુકાના ૧૧ પુલોનું ડિઝાઈન સર્કલના અધિકારીઓની ઉપસ્થિતિમાં નીરિક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સવની એપ્રોચ રોડ પર પેચવર્કની તેમજ જંગલ કટિંગની કામગીરી કરવામાં આવી હતી.
ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગો અને પુલોની સ્થાનિક કલેક્ટરશ્રી તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા તેમના વિસ્તારોની મુલાકાત લઈ, માર્ગ અને પુલ સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરી, જરૂરી સૂચનો પણ કર્યા હતા.
જે અંતર્ગત, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજિત કુમાર દ્વારા દસ્ક્રોઈ તાલુકાના કુહા-કઠલાલ બાયપાસ રોડના ખારી નદી પરના ૬૫ વર્ષ જૂના બ્રિજનું રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પણ પોતાની દૈનિક વોર્ડ વિઝિટ અંતર્ગત રોડ -રસ્તા મરામતની સમીક્ષા કરી હતી.
જ્યારે ગાંધીનગર કલેક્ટરશ્રીએ દહેગામ- નરોડા હાઇવે બ્રિજની સ્થળ મુલાકાત કરી, જરૂરી બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. તદુપરાંત, જિલ્લામાં આવેલા તમામ બ્રિજોની ચકાસણી માટે પાંચ ટીમ બનાવી, સત્વરે વિગતો આપવા સૂચનાઓ આપવામાં આવી છે. બીજી તરફ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એ આજે ગાંધીનગર શહેરી વિસ્તારોમાં ચાલી રહેલા માર્ગ સમારકામની રૂબરૂ મુલાકાત કરી વિગતો મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી.
આ જ પ્રકારે, બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલે માર્ગ અને મકાન વિભાગની ટેકનિકલ ટીમ સાથે નેશનલ હાઈવે નંબર-૫૮ રતનપુર-મેરવાડા સ્થિત બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરી, જરૂરી સૂચનાઓ આપી હતી. બનાસકાંઠામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના અંદાજે ૪૭, પંચાયત વિભાગના ૨૮ તથા રેલવેના ૨૪ સહિત સમગ્ર જિલ્લામાં નાનામોટા કુલ ૧૪૯ બ્રિજના ઇન્સ્પેક્શન માટે અલગ અલગ ટીમોનું ગઠન કરાયું છે.
પાટણ જિલ્લા કલેકટર તુષાર ભટ્ટ દ્વારા જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી વિવિધ પુલોનું સેફ્ટી ઓડિટ હાથ ધરાયું છે. જે અંતર્ગત, જિલ્લા કલેકટરએ ટેકનિકલ ટીમ સાથે સાંતલપુર તાલુકાના અબિયાણા - પેદાશપુરા બ્રિજ, રાધનપુર તાલુકામાં ખારી નદી ઉપર બનેલા શબ્દલપુરા બ્રિજ તેમજ રાધનપુર - સમી તાલુકાને જોડતા બનાસ નદી ઉપર બનાવવામાં આવેલા બ્રિજનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલેએ તળેટી ખાતે ચાલી રહેલા રસ્તા મરામતની કામગીરીની સ્થળ મુલાકાત લઇ, કામગીરીનું નિરીક્ષણ કરી રસ્તા મોટરેબલ બનાવવા જરૂરી સૂચનાઓ આપી હતી. જેના અનુસંધાને મહાનગરપાલિકા ટીમ દ્વારા તળેટી ગામમાં વિટમેક્ષ નાખીને રસ્તાને મોટરેબલ બનાવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ