સુરત, 15 જુલાઈ (હિ.સ.)- શહેરના મજુરાગેટ વિસ્તારમાં આવેલ એસબીઆઇ બેન્કમાંથી ઠગબાજ ઈસમે ખોટી પગાર સ્લીપ તથા કંપનીના બોગસ એનઓસી બનાવી રૂપિયા 10,00,000ની લોન મેળવી લીધી હતી. ત્યારબાદ એક પણ રૂપિયો લોન નહીં ભરી એસબીઆઇ બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર એસબીઆઇ બેન્કના કર્મચારીએ આ મામલે અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે અડાજણ પાલ ખાતે આવેલ ગેલેક્સી એવેન જુરામાં રહેતા રાકેશભાઈ યાદવની પત્ની સુલતાકુમારી મજૂરા ગેટ પાસે આવેલ એસબીઆઈની શાખામાં નોકરી કરે છે. ગતરોજ તેઓએ અઠવા પોલીસ મથકમાં બળવંતભાઈ નટવરભાઈ સોલંકી (રહે છપ્પનની ચાલ પોલીસની લાઇન સામે રુદરપુરા) સામે રૂપિયા 10,00,000 ની છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં સુલતાન કુમારીએ જણાવ્યું હતું કે મજુરાગેટ એસબીઆઇ બેન્કની શાખામાં બળવંત સોલંકીએ ખોટી પગાર સ્લીપ રજૂ કરી હતી. એટલું જ નહીં પરંતુ કંપનીની ખોટી એનઓસી પણ બનાવી બેંકમાં રજૂ કરી રૂપિયા 10,00,000 ની લોન મેળવી લીધી હતી. ત્યારબાદ આ લોન પૈકી એક પણ રૂપિયો નહીં આપી છેતરપિંડી કરી હતી જેથી પોલીસે બળવંત સોલંકી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે